ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (જીસીઈઆરટી) દ્વારા ધો.૧-૨ અને ૩ થી ૫માં વિષય શિક્ષક અને તાસ પદ્ધતિના અમલ અંગેની માર્ગદર્શક સૂચનાઓ એક પરિપત્રથી જાહેર કરાઈ છે. જેમાં જણાવ્યું છે કે, નવા શૈક્ષણિક વર્ષમાં વર્ગ શિક્ષક બદલી શકાશે પરંતુ વિષય શિક્ષક નહીં બદલી શકાય.
જે શિક્ષકો ૨૦૧૮-૧૯માં ધો.૩થી ૫માં જ વિષયો ભણાવતા હતા તે શિક્ષકો વર્ષ-૨૦૧૯-૨૦માં પણ એ જ વિષયો ભણાવશે. એટલે કે, આ વર્ષે ધો.૩થી ૫માં જે શિક્ષક ગુજરાતી ભણાવે છે તે જ શિક્ષક આગામી વર્ષે ધો.૩થી ૫માં ગુજરાતી જ ભણાવશે. વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જરૂર જણાય તો ધો.૩થી ૫માં ધોરણની ફાળવણી એટલે કે, વર્ગ શિક્ષક બદલી શકાશે.
જેમ કે, ૨૦૧૮-૧૯માં એક શાળાના ધો.૩ના વર્ગશિક્ષક ધો.૩થી ૫માં ગણિત ભણાવે છે. એ શિક્ષક ૨૦૧૯-૨૦માં ધો.૪ અથવા ૫ના વર્ગશિક્ષક થઈ શકે પરંતુ ભણાવવાનું તો ધો.૩થી ૫નું ગણિત જ રહેશે.
ધો.૧ અને ૨ના વિદ્યાર્થીઓને અલગ અલગ વર્ગમાં બેસાડીને ભણાવવાના બદલે નવા વર્ષથી આ બંને વર્ગના વિદ્યાર્થીઓને ભેગા બેસાડીને વિષય શિક્ષક દ્વારા જ શિક્ષણ કાર્ય કરાવવાની સૂચના અપાઈ છે. જે શાળામાં ધો.૧-૨ માટે એક જ શિક્ષક હોય ત્યાં બંને ધોરણના વિદ્યાર્થીઓ એક દિવસ ગુજરાતી અને એક દિવસ ગણિતનું અધ્યયન કરશે.
જે શાળામાં બે શિક્ષક હોય ત્યાં મોડેલ-૧ મુજબ એક ગુજરાતી શિક્ષક અને એક ગણિત શિક્ષક હશે. જેથી એક વર્ગમાં ધો.૧-૨ના અડધા વિદ્યાર્થીઓ ગુજરાતી ભણશે અને બીજા વર્ગમાં અડધા વિદ્યાર્થીઓ ગણિત ભણશે. આમ હવે ધો.૧-૨ના વિદ્યાર્થીઓને અલગ નહીં ભણાવાય.