બોટાદ જિલ્લાના રાણપુર ખાતે પોલીસ સ્ટેશનની સામે આવેલ મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી જુદી-જુદી કંપનીના મોબાઈલ તેમજ રોકડ રકમની તસ્કરી કરી અંધારાની રાતમાં ઓગળી ગયા છે.જયારે આ અંગે રાણપુર પોલીસ મથકમાં સાંજ સુધી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધવામાં આવતા ગ્રામજનોમાં આ બનાવ અંગે રહસ્ય ઘુંટાઈ રહયુ છે. આ બનાવ અંગે લાલજીભાઈ રણછોડભાઈ ડાભી પાસેથી મળતી માહીતી મુજબ બોટાદ જીલ્લાના રાણપુર મુકામે પોલીસ સ્ટેશનની સામે ખાદી કોમ્પલેક્ષમાં આવેલ લાલજીભાઈ રણછોડભાઈ ડાભીની માલિકીની પટેલ મોબાઈલ શોપમાં તા.૧૯/૦૧ની રાત્રીના ૯ઃ૦૦ થી સવારના ૭ઃ૦૦ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઈસમોએ પટેલ મોબાઈલ શોપને નિશાન બનાવી દુકાનમાં રહેલા ઓપો,વીવો,લાવા,આઈફોન સ્માર્ટ જેવી જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ – ૪૦ અંદાજે કિંમત રૂા.૩.પ૦ લાખ તેમજ રોકડ રકમ રૂા.૪૦૦૦ મળી કુલ રૂા.૩.પ૪ લાખના મુદામાલની તસ્કરી કરી અજાણ્યા તસ્કરો પોલીસને ચકમો આપી અંધારાની રાતમાં ઓગળી ગયા હતા.
રાણપુર મુકામે થયેલ ચોરીના સમાચાર વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ગ્રામજનો,વેપારીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હતી પરંતુ આજરોજ સાંજ સુધી મસમોટા મુદામાલની ચોરી અંગેની પોલીસ ફરીયાદ રાણપુર પોલીસ મથકમાં નોંધવામાં ન આવતા ગ્રામજનોમાં રહસ્ય ઘુંટાઈ રહયુ છે.તેમજ રાણપુર પોલીસ સ્ટેશનની સામે જ મસમોટા મુદામાલની ચોરી થતા પોલીસના નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.જો પોલીસ સ્ટેશનની સામે જ તસ્કરો દુકાનને નિશાન બનાવતા હોય તો આગામી દિવસોમાં તસ્કરો અન્ય દુકાનો નિશાન બનાવે તો કાઈ નવાઈ નહિ. આ અંગે અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર રાણપુર પોલીસ ધ્વારા આ બનાવ અંગે ૧.ર૦ લાખના મુદામાલ ચોરાયા અંગેની ફરીયાદ નોંધવા માંગે છે પરંતુ મોબાઈલ શોપમાંથી ૩.પ૪ લાખનો મુદામાલ ચોરાયેલ છે.જે અંગે હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાયેલ નથી અમો વકીલ મારફતે પોલીસ ફરીયાદ નોંધાવવાના હોય તેવુ ચર્ચાઈ રહયુ છે.