સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના મામલામાં મંગળવારે બીસીસીઆઈ નૈતિક અધિકારી અને લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડી કે જૈનની સામે પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. ફરિયાદી સંજીવ ગુપ્તા અલગથી રજૂ થયા અને જાણવા મળ્યું છે કે બીસીસીઆઈ લોકપાલ જૈને તેને લેખિતમાં નિવેદન નોંધાવવાનું કહ્યું છે. તેંડુલકર અને લક્ષ્મણે ત્રણ કલાક કરતા વધુ સમય સુધી પોતાનો પક્ષ રાખ્યો હતો. આ મામલામાં ૨૦ મેએ વધુ એક સુનાવણી થઈ શકે છે.
તેંડુલકર અને લક્ષ્મણ બંન્ને ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્ય છે અને આ સાથે તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી ક્રમશઃ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે પણ જોડાયેલા છે. આ બંન્ને હિતોના ટકરાવનું ખંડન કર્યું હતું. સચિને કહ્યું હતું કે મુંબઈની સાથે તે સ્વૈચ્છિક કામ કરે છે જ્યારે લક્ષ્મણે કહ્યું હતું કે જો તેનો હિતોનો ટકરાવ સાબિત થઈ જાય તો તે સીએસીમાંથી રાજીનામું આપી દેશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકે જોડાયેલા બંગાળ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વિરુદ્ધ પણ હિતોના ટકરાવ મામલામાં ફરિયાદ કરવામાં આવી હતી.