વિસ્ફોટક ઓપનર જોની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે ત્રીજી વનડે મેચમાં પાકિસ્તાનને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતની સાથે યજમાન ટીમે પાંચ મેચોની વનડે સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થયો હતો. બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડે ૧૨ રને વિજય મેળવ્યો હતો. ત્રીજી વનડેમાં પાકિસ્તાનના ઓપનર ઇમામ ઉલ હકે પણ સદી ફટકારી હતી.
પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઇમામ ઉલ હક (૧૫૧)ની શાનદાર ઈનિંગની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૫૮ રન બનાવ્યા હતા. પરંતુ તેના બોલર આ વિશાળ સ્કોરનો પણ બચાવ ન કરી શક્યા. ઈંગ્લેન્ડે ૩૧ બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટોએ ૯૩ બોલમાં કુલ ૧૨૮ રન બનાવ્યા હતા. તેણે ઈનિંગમાં કુલ ૧૫ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા.
પાકિસ્તાનની શરૂઆત સારી ન રહી. ગત વનડેમાં સદી ફટકારનાર ફખર જમાન (૨) મેચની પ્રથમ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. બાબર આઝમ (૧૫)ને આઉટ કરીને વોક્સે પાકને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ઇમામ ઉલ હકે હેરિસ સોહેલ (૪૧)ની સાથે ઈનિંગ સંભાળી હતી. બંન્નેએ ૬૮ રનની ભાગીદારી કરી હતી. સોહેલ આઉટ થયા બાદ ઇમામ ઉલ હકે કેપ્ટન સરફરાઝ અહમદ (૨૭)ની સાથે ૬૭ રન જોડ્યા હતા. સરફરાઝ ૧૬૨ના ટીમ સ્કોર પર આઉટ થયો હતો.
એક તરફ વિકેટ પડી રહી હતી જ્યારે બેજો છેડો ઇમામે સાચવ્યો હતો. તેણે પાંચમી વિકેટ માટે આસિફ અલી (૫૨)ની સાથે ૧૨૩ રનની ભાગીદારી કરી હતી. ઇમામ ઉલ હકે ૯૭ બોલમાં પોતાની છઠ્ઠી વનડે સદી ફટકારી હતી. અંતિમ ઓવરોમાં ઇમાદ વસીમ (૨૨) અને હસન અલી (અણનમ ૧૮)એ ઝડપથી રન બનાવીને પાકિસ્તાનને ૩૫૮ સુધી પહોંચાડી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે ચાર અને ટોમ કરને બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન મોર્ગન ૧૭ રન બનાવી અણનમ રહ્યો હતો. પાકિસ્તાન માટે વસીમ, જુનૈદ ખાન અને ફહીમ અશર્રફે એક-એક વિકેટ ઝડપી.