પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિવાદ અને રોડ શોમાં થયેલી હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટીએમસીને જવાબદાર ગણાવી. તેમણે કેટલીક તસવીરો દેખાડી દાવો કર્યો કે રોડ શોમાં હિંસા ટીએમસીના લોકોએ કરી અને ટીએમસીના જ ગુંડાઓએ જ ઇશ્વર ચંદ વિદ્યાસાગરની પ્રતિમા પણ તોડી નાંખી. શાહએ બંગાળમાં ટીએમસીના દિવસો ખત્મ થવાની જાહેરાત કરતા કહ્યું કે ભાજપ બંગાળમાં ક્લીન સ્વીપ કરવા જઇ રહી છે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે બંગાળમાં ૬ તબક્કામાં હિંસા થઇ જ્યારે અન્ય રાજ્યોમાં આ પ્રકારની હિંસા થઇ નથી. તેમણે કહ્યું કે બંગાળમાં ૬ એ ૬ તબક્કામાં હિંસા થઇ. તેનો મતલબ એ છે કે હિંસાનું કારણ જ તૃણમૂલ છે ભાજપ નહીં. પોલીસ મૂકદર્શક બની રહી.
તૃણમૂલ પર હુમલાનો આરોપ મૂકાતા શાહ એ કહ્યું કે ગઇકાલે હું સૌભાગ્યથી જ સીઆરપીએફની સુરક્ષાના લીધે બચીને નીકળી શકયો. તેમણે કહ્યું કે રોડ શોની અંદર અભૂતપૂર્વ જનસમર્થન કોલકત્તાની જનતાને મળ્યું. કમ સે કમ બે અઢી લાખ લોકો ૭ કિલોમીટરના રોડ શોમાં સામેલ થયા. હુમલો એક નહોતો, ત્રણ હુમલા હતા. ત્રીજા હુમલામાં આગચંપી, પથ્થરમારો અને કેરોસીન બોમ્બ ફેંકાયા. જેટલા પણ પથ્થરમારો કરનારા લોકો હતા તે અંદરના હતા અમે રિસીવર એન્ડ પર હતા. મારા રોડ શો પર પથ્થરમારો કરાયો.
ભાજપ અધ્યક્ષે ટીએમસીના ઇશ્વર ચંદ વિદ્યાસાગરની પ્રતિમાને તોડવાના આરોપોનું ખંડન કર્યું. તેમણે ટીએમસી પર પ્રતિમા તોડવાનો આરોપ મૂકતા કહ્યું કે અમે તો રોડની બહાર હતા, ગેટ લાગેલો હતો તો અંદર જઇ કોણે પથ્થરમારો કર્યો અમે તો બહાર હતા. ગેટ જો તૂટ્યો ના હોત તો કોલેજની અંદરની પ્રતિમાને કોણે તોડી? સહાનુભૂતિ મેળવવા માટે મમતા બેનર્જીના કાર્યકર્તાઓએ પ્રતિમા તોડી.
વોટ બેન્કની રાજનીતિ કરવાના ટીએમસી પર આરોપ મૂકતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રીની પ્રતિમાને તોડવી નિંદનીય છે. ટીએમસીની ઉલટી ગણતરી બંગાળમાં શરૂ થઇ ગઇ છે.
બધા પુરાવા ઇશારો કરે છે કે સાગરની પ્રતિમાને ટીએમસીના ગુંડાઓએ જ તોડી છે અને હારેલી બાજીને જીતવા માટે તોડી. એ નક્કી થઇ ગયું છે કે બંગાળની અંદર ટીએમસી હારવા જઇ રહી છે. બંગાળની અંદર મારી ૧૬ સભાઓ થઇ છે. અમને ખબર છે કે બંગાળની પ્રજા કંઇ તરફ જઇ રહી છે. જ્યારે પંચાયતની ચૂંટણી હતી ત્યારે પણ ૬૦ પોલિટિકલ એક્ટિવિસ્ટોની હત્યા કરાઇ.
મમતા બેનર્જીના બદલો લેવાવાળા નિવેદન પર ભાજપ અધ્યક્ષે નિશાન સાંધતા કહ્યું કે બે દિવસ પહેલાં દીદીએ જાહેરમાં ધમકી આપી કે હું બદલો લઇશ. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે બધું જોતા ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ. બંગાળની અંદર ગુનેગારોને હિસ્ટ્રીશીટરોને ચૂંટણી દરમ્યાન છોડી દેવામાં આવે છે. બાકી રાજ્યોમાં પેરોલ, ફરલો પર છૂટેલા ગુનેગારોની ચૂંટણી દરમ્યાન ધરપકડ કરાઇ. કેમ ચૂંટણી પંચ ચુપ બેઠું છે, જ્યાં સુધી ગુંડાઓને પકડશે નહીં નિષ્પક્ષ ચૂંટણી થશે નહીં.