સંત સદારામ બાપાના પાર્થિવ દેહની ટોટાણાથી થરા સુધી પાલખી યાત્રા નીકળી હતી. ત્યાંથી પરત ફરીને બાપાના દેહને સાંજે ટોટાણા ધામ ખાતે પુનઃ આશ્રમે લાવવામાં આવ્યો હતો. સાંજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. બાપાની અંતિમવિધિમાં સંતો-મહંતો અને પરિવાર સહિત વિવિધ સમાજના લોકોની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. બાપાની અંતિમવિધિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ સિવાય કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ અંતિમ દર્શને પહોંચ્યા હતા.
સદારામ બાપાનું ૧૧૧ વર્ષે દેહત્યાગ કર્યોઃ કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુએ ૧૧૧ વર્ષની વયે મંગળવારે સાંજે દેહત્યાગ કર્યો હતો. ૨ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કરી સમાજ સુધારણાનુ કાર્ય કરનાર શતાયુ સંત શ્રીસદારામબાપુની ચીર વિદાયથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી છે.
૨૭ દિવસ વેન્ટિલેટર પર રહ્યાઃ આ સંત કેટલાક દિવસોથી બીમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા ૨૭ દિવસથી વેન્ટિલેટરના સહારે શ્વાસ લઈ રહ્યા હતા. સોમવારે તેમની તબિયત વધુ નાજુક થતા તેમને ટોટાણા આશ્રમ ખાતે રાત્રે લઇ જવાયા હતા. જ્યાં મંગળવારે તેમનું નિધન થયું હતું. પુજય સંત સદારામ બાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનુ ઘોડાપુર ઉમટ્યુ હતું.
બનાસકાંઠાથી સમાજના દુષણો દૂર કર્યાઃ કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કિર્તન થકી સમાજમા વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનુ કામ કરતા અને ૧૧૧ વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પૂજય સંતશ્રી સદારામબાપાની તબિયત બગડતાં પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતાં.
મંગળવારે સાંજે દેહ છોડ્યોઃ બાપુએ મંગળવારે સાંજના ૬ઃ૪૪ એ પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી ગુજરાત ભરના ભક્તજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.