સ્વચ્છતા અભિયાનમાં મોખરાનું મેળવનારા સ્માર્ટ પાટનગરમાં મ્યુનિ. તંત્ર કરતાં પણ એજન્સી વધારે સ્માર્ટ થઈ ગઈ છે. શૌચાલયોમાં સફાઈના મુદ્દે અવાર-નવાર વિવાદ સર્જાતા હોવાના કારણે શૌચાલયોના કારણે જ મ્યુનિ. તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવનારા પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો અને કોઈ વિરોધ થતો ન હતો. પાછલા એક વર્ષથી જાહેર શૌચાલયો સતત વિવાદોમાં છવાયેલા રહે છે. એજન્સી અને એક કાઉન્સિલરની મિલિભગત મામલે સર્જાયેલા વિવાદ બાદ શૌચાલયોની સફાઈનું ટેન્ડર રદ કરવાનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો.
મ્યુનિ. દ્વારા સફાઈ પ્રક્રિયા નિયમિત રાખવા માટે અન્ય એજન્સીને ટેન્ડર આપી દેવાયું હતું. જો કે એજન્સી દ્વારા સફાઈ કામગીરીમાં બેદરકારી રખાઈ હોવાનું અનેક વખત બહાર આવ્યું હતું.
તત્કાલીન મેયર અને ડેપ્યુટી મેયરે સંખ્યાબંધ શૌચાલયોની રૂબરૂ મુલાકાત લઈને સફાઈના નામે ચાલતા ગોરખધંધા બંધ કરાવ્યા હતા. ત્યારબાદ સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ આવી અને થોડા સમય માટે બધાં શૌચાલયો સ્વચ્છ રહેવા લાગ્યાં. આગામી સમયમાં સર્વેક્ષણ ન હોવાના કારણે એજન્સીને મ્યુનિ. તંત્રની કોઈ બીક ન રહી હોય તેમ મનસ્વી રીતે શૌચાલયો બંધ રાખવામાં આવે છે. પ્રસ્તુત તસવીર સેકટર-૧૬ ખાતે પાટનગર યોજના ભવનની પાછળ આવેલા શૌચાલયની છે. આવી રીતે શહેરમાં ૧૦ જેટલા સ્થળે શૌચાલયોને તાળાં મારી દેવાયાં હોવાનું જાણવા મળ્યું છે. એજન્સીએ મ્યુનિ. તંત્રને અંધારામાં રાખીને શૌચાલયોને તાળાં મારવાનું શરૂ કરી દીધું છે. શૌચાલયો ચાલુ રહે તો સ્વચ્છતા જાળવવાનો મુદ્દો ઊભો થાય ને? પણ તેને તાળાં મારી દેવાય તો કોઈ સમસ્યા જ નહી, તેવું વિચારીને એજન્સીએ મનસ્વી રીતે શૌચાલયોને તાળાં મારી દીધાં હોવાનું મનાય છે.
મ્યુનિ. કોર્પોરેશનને ઓડીએફ ડબલ પ્લસનો દરજ્જો અપાવવામાં જાહેર શૌચાલયોની મહત્ત્વની ભૂમિકા રહી હતી. મ્યુનિ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિસ્તારોમાં ઊભાં કરવામાં આવેલા ૭૨ જેટલા શૌચાલયોના કારણે જાહેરમાં ગંદકી ફેલાવવાની માનસિકતા બદલાઈ હતી.