અમદાવાદ સહિત રાજ્યભર માં ચાલતી ગેરકાયદેસર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પર કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક ટ્રસ્ટ દ્વારા બોર્ડની મંજૂરી વગર શાળાઓ શરૂ કરી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જેને ધ્યાનમાં લેતા આ પ્રકારની શાળાઓ સામે જરૂરી પગલા ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઘણા વર્ષોથી ગેરકાયદેસર ચાલતી શાળોની ૨૦૧૮માં બોર્ડને જાણ થતા શિક્ષણ વિભાગે આ મામલાને ગંભીરતાથી લીધો છે. સામાન્ય રીતે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે. જો બોર્ડની મરજી વગર કોઇ શાળા શરૂ કરવામાં આવે તો તેને અમાન્ય માનવામાં આવે છે. જો આ વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવે તો તે શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.
અગાઉ જાહેર થયેલા પરિપત્ર અનુસાર, શહેરમાં અંદાજે ૫૦ જેટલી અમાન્ય શાળાઓ છે. જેમા વાલીઓને જણાવ્યું છે કે આ પ્રકારની સ્કૂલોમાં પોતાના બાળકોને મોકલીને તેમનું ભવિષ્ય ના બગાડે. શહેરના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે અમાન્ય શાળાઓ ચાલી રહી છે.