વિદ્યાર્થીઓ નહી મળવાના કારણે અને કોલેજ ટકાવી રાખવા મુદ્દે કફોડી હાલત ઉભી થતાં રાજયની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંલગ્ન બે ફાર્મસી અને બે એમબીએ કોલેજ સહિત કુલ છ કોલેજો ટૂંક સમયમાં જ બંધ થઇ જશે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની છ કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ નહી મળતાં આ કોલેજોએ તેમની કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. એકસાથે છ કોલેજો બંધ થવાના આરે આવીને ઉભી હોવાથી શૈક્ષણિક સ્થિતિનો સાચો ચિતાર સામે આવ્યો છે. રાજયની જીટીયુ સંલગ્ન જે છ કોલેજો બંધ થવાની છે, તેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજને પણ તાળા વાગશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહેશે. આ વર્ષે સાયન્સમાં ૧.૪૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૯૫ હજાર જ પાસ થયા હતા. તે પૈકી છ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯ હજાર હતી. તેમાંથી ૪૫ ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે.
ઉપરાંત ૩૯ હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં ૬૧ હજાર બેઠકો સામે રાજ્યમાંથી ૩૯ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.
જીટીયુ દ્વારા ૧૯૦ કોલેજને નોટિસ અપાતા ખળભળાટ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા રાજ્યની ૧૯૦ જેટલી કોલેજોને નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જેને પગલે જીટીયુએ આ ૧૯૦ કોલેજોને નોટિસ ફટકારતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. જીટીયુ દ્વારા આ તમામ કોલેજોને તાકીદે કોલેજોમાં અસુવિધાન અને ખામીઓનું નિવારણ કરવા કડક આદેશ કર્યો છે. દરમ્યાન જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું હતું કે, રાજ્યની ૪૫૨ કોલેજોની પાસે તેમની ઓનલાઇન વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં ૧૯૦ જેટલી કોલેજોમાં કેટલીક અસુવિધા અને ખામીઓ જણાતા તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
આ ખામીઓને દૂર કરી એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હતું. ખામીયુક્ત કોલેજોમાં ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ તમામ કોલેજોમાં તા. ૩૧ મે સુધી ઇન્સ્પેક્શન પ્રક્રિયા પૂર્ણ થશે. જો ઇન્સ્પેક્શન બાદ રિપોર્ટમાં સુવિધાઓમાં સુધારો કરવામાં નહીં આવ્યો હોય અને ખામીઓ ધ્યાન પર આવશે તો કોલેજોને નો એડમિશન ઝોન જાહેર કરી તેમજ સીટો ઘટાડવા સુધીના પગલા લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં જીટીયુ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, જીટીયુના નિર્ણયને લઇ શિક્ષણજગતમાં એકબાજુ, જીટીયુ સત્તાવાળાઓની પ્રશંસા થઇ રહી છે તો બીજીબાજુ, કોલેજ વર્તુળમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી સુવિધા ઉપરાંત, શૈક્ષણિક, ટેકનીકલ અને વહીવટી ખામીઓ સહિતની ક્ષતિઓ સામે આવતાં આ કોલેજો વાંકમાં સપડાઇ છે, પરિણામે હવે જીટીયુએ સમગ્ર મામલે કડક વલણ અપનાવી કોલેજોને નોટિસ ફટકારી કડક તાકીદ કરી છે.