નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.
પાળેલો શોખ
“ઓહો… આટલી બધી બુક્સ!” કૃતિ ઘરમાં રહેલી મીની લાઈબ્રેરી જોઈ મનોમન બોલી ગઈ. પાછળથી કૃપએ કહ્યું હા જ્યારથી બાપુજીને પેરાલિસિસ થયું ત્યારથી એમના માટે મેં આ લાઈબ્રેરી ઘરમાં જ વસાવી છે. જે પણ નવી બૂક માર્કેટમાં આવે એ તુરંત હું ખરીદી લઉં છું. કૃતિએ પૂછ્યું, “બાપુજીને વાંચનનો આટલો બધો શોખ છે!” કૃપ કૃતિની વાત સાંભળ્યા વગર જ મોબાઈલ કાને લગાવી ડ્રોઇંગ રૂમ તરફ જતો રહ્યો. બાપુજી એમની રિમોટવાળી વ્હીલ ચેરમાં ઘરની લાઈબ્રેરીમાં પ્રવેશે છે. કૃતિ બાપુજીને આવતાં જોઈ એમની મદદે જાય છે અને સહજ પૂછે છે.”બાપુજી તમને વાંચવાનો જબરો શોખ છે.” બાપુજી અટ્ટહાસ્ય સાથે બેટા શોખ નથી આતો મારી એકલતા દૂર કરવા પરાણે પાળેલો શોખ છે. હવે તારે પણ આવો શોખ પાળવો પડશે.”
– ઉજાસ વસાવડા
પ્રેરણા
હિમા ખૂબ બિમાર રહેતી. હજાર લોકોમા એકને હોઇ એવી બિમારી એને હતી.ડોકટરો નવાનવા અખતરા કરતા હતા. ત્રીસ વર્ષની નાની ઉમરમાં કંટાળી એ આપધાત કરવાના વિચારો કરતી.અંતે એમને એક લેખક મળતા વાંચનની આદત પડાવી. પુસ્તકોના વાંચનથી હિમાને જીવન જીવવાનું બળ મળ્યું,અને પ્રેરણા મળી. વાંચનની આદતે જાણે એના દર્દને વિસરાવી દીધું.એનો ચિડીયો સ્વભાવ જાણે શાંત થવા લાગ્યો..અને હ્રદય જાણે પ્રસન્ન રહેવા લાગ્યું અને એ એક નિર્ણય કરે છે…આજે એની આંખોથી કોઈની અંધારી દુનિયામાં રોશની છે અને એના હ્રદયે કોઈના શ્વાસની સરગમને સૂરમાં રાખી છે…
– હિમા (સચિન)
ટાસ્કઃચિત્ર
ફટાફટ દાદરા.. ચઢી, પુસ્તકાલયનું લોક ખોલીને, નિમાએ પંખો ચાલુ કરીને પર્સ ને ટેબલ પર મૂકી, બારી ખોલતા “હાશ” કરી ખુરશીપર બેઠી. ગઇ કાલે આવેલા પુસ્તકો પર નજર નાખી. પુસ્તકોની યાદી બનાવતાં કોલેજની લાયબ્રેરી યાદ આવી ગઈ.જ્યારે નિમા પુસ્તક લેવા હાથ લંબાવે તો ? બીજીબાજુથી, એજપુસ્તક ગાયબ ! પેલો… મોરપીંછ વાળો ,બુકમાંપીછું મૂકે,તો કોઈ વાર કાર્ટૂનવાળી ચિઠ્ઠી, નિમા મશગુલ હોય ત્યારે તે પાછળથી આવી પીંછાથી સ્પર્શ કરે નિમા ચમકી પાછળ જોવા જાય તો હાથવડે તેની આંખો દબાવીદે, કઈ કહેવા જાય એવું, નિમાના મો માં કાચી કેરીનો મીઠા વાળો ટુકડો નાખીને ભાગે….કોલેજના તોફાની મિત્રોના ચહેરાઓ નજર સામે તરી વળ્યા. નિમા બારીની બહાર ઊડતાં પંખીઓને જોય રહી ત્યાં? નિમાનાં કાને, હળવો સ્પર્શ થયો , તે પાછળ ફરી જોવા ગઈ,તો કોઇએ તેની આંખો હાથથી દબાવી દીધી ને, નિમાના મોમાં કાચીકેરીનો ટુકડો મૂકી દીધો.!!
– ઈલા આર. મિસ્ત્રી, અમદાવાદ
ખુરશી બોલે છે
કામથી પરવારીને રાબેતા મુજબ રામાકાકા ઘેર આવી ગયા. પણ આજે રોજ જેવો એમનામાં ઉમંગ-ઉલ્લાસ ન હતો. એ પોતાના રૂમમાં આવ્યા, ટેબલ પર પડેલા પુસ્તક પર એક નજર નાખી. પણ આજે એમને વાંચનમાં પણ રુચિ ના જણાઈ અને આંખો મીંચીને એમની આરામ ખુરશીમાં બેઠા. હવે એમની ઉંમર પણ જવાબ આપી રહી હતી. પણ એમના માથે હતી એ જવાબદારી પુરી થાતી ન હતી. અચાનક પવનની થપાટ સાથે બારી ખુલી ગઈ. ઓરડો પ્રકાશિત થઈ ગયો. એકાએક એક તેજપુંજ રામાકાકા પાસેથી પ્રસાર થઈ ગયું અને પવનની લહેરથી પુસ્તકના પન્ના ફરવા લાગ્યા, ઓરડાની બારીઓ અથડાવા માંડી અને પછી અચાનક નીરવ શાંતિ પ્રસરી ગઈ. વાતાવરણની એ શાંતિ જાણે રામાકાકાની ખુરશીમાં પ્રાણ પુરી હચમચાવી ગઇ ના હોય એમ ખુરશીની નિર્જીવતા ખળભળીને બોલી ઊઠી કે “હવે પરિવારની સવાર કેવી હશે?”….
– સંકેત વ્યાસ -ઈશારો
આંસૂ
” બસ , કર હવે ક્યાં સુધી આ રૂમમાં પુસ્તકો, કાગળો, કે આ લાઈટ મા બળબળતી રહીશ..!!! જરા વાર આરામ પણ કર… શરીરનું ધ્યાન તો રાખ !!! ” રમાબેને પુત્રી કાનનને લાગણીસભર ઠપકો આપતાં કહ્યું.. કામમાં ગળાડૂબ હોવાનો ડોળ કરતા કાનન કશું જ ન બોલી.. ફક્ત આંખોને બંધ કરી ટેબલ પર માથું નમાવીને વિચારવા લાગી ’ શું હતી મારી ભૂલ ? કેમ નિલય જલ્દી આવીશ કહીને પરદેશ સ્થાયી થઈ ગયા ? સપ્તપદીના વચનો ? હું પણ એક એન .આર. આઈ.ના પ્રેમમાં ગળાડૂબ ? બસ હવે તો આ રૂમ અને આ પુસ્તકો ,અરે આ ઓશિકાઓમાં દબાયેલાં ડૂસકાં, આંસુ અને આહ!! કોણ અને ક્યારે સાંભળશે ? આ ઓશીકા જેવું વફાદાર કોઈ નહિ. આપણને હૂંફ, પ્રેમ આપે અને આંસુ પણ છુપાવે..’ તે સોફા પર આવીને સૂતી .. અચાનક… દરવાજો..ખુલવાનો અવાજ.. અને એ જ તરબતર કરી દેતી જાણીતા પરફ્યુમની ખુશ્બુ !!!!! અને તેની આંખોમાં આંસુની ધાર.. વહેવા લાગી.
– અલ્પા પંડયા દેસાઈ
શાંતિનો સન્નાટો
લાઈફટાઈમ મેમ્બરશિપ લવાજમ ભરીને એ ચારેય લાઈબ્રેરીની સ્કીમનો લાભ લઈ રહ્યાં હતાં. હા, લાઈફટાઈમ મેમ્બરશિપ લેવાથી જે તે મેમ્બરને લાઈબ્રેરીમાં બેસવાની કોઈ સમય મર્યાદા ન હતી. હા, લાઈબ્રેરીના બધા નિયમોનું પાલન કરતાં. અવાજ બિલકુલ નહી. બસ, મોટા મોટા પેપરમાં ડ્રોઇંગ કરતાં. ઇશારાથી વાતો કરતાં. આખો દિવસ લાઈબ્રેરીમાં પસાર કરતાં. હવે તો ગ્રંથપાલને ચા નાસ્તો કરવા જવું હોય તો આ ચારેયને કહીને જતાં. જો કે ઘણાંને નવાઈ લાગતી. આખો દિવસ આ લોકો શું કરતાં હશે? બહાર નિકળીને તરત જ કશેય રોકાયા વગર જતાં રહેતાં. એકવાર ગ્રંથપાલે પૂછતાં એમણે કહ્યું હતું કે અમારો એક પ્રોજેક્ટ લોંચ થવાનો છે. એની તૈયારી કરીએ છીએ. આ જગ્યાએ ઘણું ફાવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે એ ચારમાંથી કોઈ પાસે મોબાઈલ ન હતો. આજે, એ લોકો આવ્યા નહીંપગઈકાલે એમના ચહેરા પર એક અજીબ અકળ શાંતિ હતી. જાણેકે એમનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. અચાનક શહેરમાં એક સાથે આઠથી દસ ધડાકા થયાં. કેટલાંય મૃત્યુ પામ્યા, હજારોની સંખ્યામાં લોકો ધાયલ થયા. બીજા દિવસે શંકાસ્પદ શખ્સોના સ્કેચ જાહેર થયાપ શહેરની જેમ જ લાયબ્રેરીમાં પણ શોકમય સન્નાટો છવાઈ ગયોપ
– દક્ષા દવે ’રંજન’
વસીયત
નાનાજીની અણધારી વિદાયે બધાને હચમચાવી નાખ્યા હતાં સિવાય કે માધવ મામા. એમને બસ નાનાજીના વિલમાંજ રસ હતો. મને પણ નાનાજીએ જ નાનપણથી મોટી કરી હતી એટલે મેં પણ વસિયતમાં મારો ભાગ માંગ્યો જેના પર ફકતને ફક્ત મારોજ હક હતો એ બધું મને આપી દેવું. કોઈનેય મારી આ વાતથી વાંધો ન હતો સિવાય માધવમામા.એની આંખોમાં અને મામીની વાતોમાં મારા પ્રત્યેની ઘૃણા સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ મને કોઈજ ફેર નહોતો પડતો હું હવે લડી લેવાના મૂડમાં હતી. આશરે છ મહિના પછી બધા ભેગા થયા. બીજા ભાગ તો ન પડ્યા પણ હું મારો હિસ્સો લેવા ગઈ મેં જોયું મારા નાનાજીનો અમુલ્ય ખજાનો ઉધઈનો ખોરાક બની ચુક્યો હતો. એમણે જીવથી પણ વધુ સાચવેલા અમુલ્ય પુસ્તકોમાંથી જે સારા હતા એ માધવમામા એ પસ્તીમાં આપી દીધાં હતા. બાકી બચેલા ઉધઈ વાળા પુસ્તકો મારા કામ નહોતા આવવાનાં. પિતા સમાન નાનાજી ફરી મારાથી દુર થઇ ગયા! હા હવે, હું સાચે જ લડી લઈશ..
– ધરતી દવે
કાળજી
નવા બંગલાનાં બાંધકામ વખતે જ ગૌરવે એના માટે અલાયદો રૂમ બનાવ્યો હતો. બારીએથી આવતો પવન, જુની આરામદાયક ખુરશી, નાના કબાટમાં ગોઠવેલા મનગમતા પુસ્તકો સાથે ગૌરવને લગાવ હતો. બધુ જ કાળજીપૂર્વક રાખતો. ઓરડામાં પોતે ગોઠવેલી કોઇપણ વસ્તુ ઘરનો કોઇપણ સભ્ય આઘીપાછી કરે ત્યારે ગૌરવ નારાજ થઇ જતો. એ કારણે જ ગૌરવની પત્ની, પુત્ર-પુત્રવધુ પણ આ બાબતે ખાસ કાળજી લેતા. એકવખત ગૌરવની પરણિત દીકરી એના નાના દીકરા અને દીકરી સાથે આંટો દેવા આવી હતી. એ સાંજે ગૌરવ ઓફિસેથી ઘરે આવ્યો અને એનાં રૂમમાં ગયો તો બધું જ વેરવિખેર પડ્યું હતું. ગૌરવ બહાર નીકળીને કાંઇ કહેવા જાય એ પહેલા બંને બાળકો ‘નાનાજી આવ્યા, નાનાજી આવ્યા’ કહીને એમને વળગી પડ્યા. અને પાછા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ ગયેલા પુસ્તકાલયમાંથી આવતાં હાસ્યના અવાજથી આખું ઘર ગુંજી ઉઠયું.
– રોહિત વણપરિયા (કેશોદ-રાજકોટ)
લાઈબ્રેરી
શસસસસ… શસસસસ… આ લાયબ્રેરી છે , અહીં પુસ્તકો વાંચવાના છે. અહીં જે ટેબલ ખુરશી અને વીજળીના સાધનો છે જેવાકે લેમ્પ પંખો ને લાઈટ એ બધું વાંચવામાં મદદ કરે તે માટે છે, એકબીજાની આંખોમાં તાકીને જોઈ રહેતા કલ્લાક વારથી અહીં એકબીજાનો હાથ પકડી બેઠા છો એટલે કહ્યું હો. એકબીજાની આંખ નહિ પુસ્તક વાંચો બોલતા બોલતા લાયબ્રેરીયન એ પ્રેમી પંખીડા ઉડાડીયાં.
– ચિંતલ જોશી.
નફરત
પુરુષપ્રધાન સમાજમાં ઉછરેલ સ્વયંના વિચારો પણ એવા જ હતા. પોતાની જ મનમરજી ચલાવતો એ આજે એકલો જીવતો હતો. એના વિચારો અને અહમ એના જ જીવનને ભરખી ગયા હતા છતાં સુધારાના નામે મીંડું. રોજની જેમ સવાર-સવારમાં બારી નજીક ખુરશીમાં બેઠો બેઠો વૉટ્સએપ પર ’બિંદાસ ફ્રેન્ડ્ઝ’ ગ્રુપમાં ચેટ કરી રહ્યો હતો. એમાં એક ફોટો આવ્યો જેને જોઈ સહુ મિત્રો મજાક કરી રહ્યા હતા. ચિત્ર જોઈને અર્પિતા યાદ આવી ગઈ. ચિત્રમાં બે પુસ્તક હતા. એક આશરે સો પાનાનું અને બીજું આશરે પંદરસો પાનાનું. સો પાનાના પુસ્તક પર લખેલ હતું , “ર્ૐુ ર્ં ેહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘ ટ્ઠ દ્બટ્ઠહ (કેઙ્મઙ્મ ીઙ્ઘૈર્ૈંહ)” અને બીજા પર , “ર્ૐુ ર્ં ેહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘ ટ્ઠર્ ુદ્બટ્ઠહ (ટ્ઠિં-૧).” બે મિનિટમાં તો આખો ભૂતકાળ આંખ સામેથી પસાર થઇ ગયો અને લેમ્પ ચાલુ કરવાથી જેમ રૂમમાં પ્રકાશ ફેલાય એમ એના અંધારા મગજને પ્રકાશિત કરી ગયો. સ્વયંને સ્વયં પ્રત્યે જ નફરત થઇ ગઈ અને એણે કૉમેન્ટમાં લાલ મોઢાવાળા ઇમોજીનો ઢગલો કરી દીધો.
– પલ્લવી ગોહિલ ’પલ’-વડોદરા
“બારી”
એક માડી વૃદ્ધાશ્રમના મેનેજરને પોતાને બીજા રૂમમાં ટ્રાન્સફર કરવા વિનંતી કરીને થાક્યાં હતાં. એક મુલાકાતમાં એ વૃદ્ધ માડીએ મને પોતાની વેદના કીધી : ’આ બારીમાંથી સામે દેખાતા ફ્લેટમાંથી મારી પુત્રવધૂએ મને ધક્કો મારીને બહાર કાઢી હતી, હવે એ ફ્લેટને જોતાં મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે, હું અહીં નહીં જીવી શકું !’ એ માડી બીજી રૂમમાં ટ્રાન્સફર થયાં. બારીની દિશા બદલાઈ, પણ એક માના હૃદયનો વલોપાત શાંત કરવાની ક્ષમતા નવી બારીમાં નહોતી!
– દશરથ પંચાલ ’ફુવા’
“ચિર નિદ્રા”
અજાણ્યો કફનીધારી વૃદ્ધ એક ખખડધજ મકાન તરફ આંખ પર છાજલી કરીને પચાસ વરસ પહેલાંની સ્મૃતિઓને ઢંઢોળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઊધઈએ કરડી ખાધેલી ડેલીનું બારણું કોરાણે મૂકી, વરસોની ધૂળ સાચવીને બેઠેલો અવાવરૂ ઓરડો ખોલી એ અંદર પ્રવેશ્યો. આ એ જ ઓરડો હતો, જ્યાં એણે વિમળા સાથે મધુરજની ઉજવીને પોતાનો ગૃહસંસાર શરૂ કર્યો હતો. એની ઝંખવાએલી આંખે દિવાલ પર ટાંગેલા ફોટાને જોયો, ધ્રુજતા હાથે ફોટા પરની ધૂળ લૂછીને વિમળા સાથેની પોતાની યુવાનીને નિહાળતાં એ હાથમાંની ટેકણલાકડી ફેંકી દઈ, ખંડિયેર દેહને ભૂલી યુવાન બની ગયો….બનતો રહ્યો! બીજી સવારે, વરસો જુના ફ્રેમમાં મઢેલા ફોટાને હૈયા સરસો જડીને ચિર નિદ્રામાં પોઢેલા વૃદ્ધને લોકોએ જોયો!
– દશરથ પંચાલ ’ફુવા’
સમર્પણ
માતા પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ લાલુના શિરે એના નાના ભાઈ બહેનની જવાબદારી આવી ગઈ. બાળપણમાં જ ત્રણ જીવ માટે રોટલો રળવાની જવાબદારી આવી ગઈ હોવાથી પુસ્તકો છૂટી ગયા અને એક સિદ્ધાંતવાદી, પ્રામાણિક અને સંસ્કારી ઘરનો છોકરો મજબૂરી સામે લાચાર થઈ એક શરાબની દુકાનમાં ટેબલ સાફ કરી ગ્લાસ ચમકાવવાનું કામ કરવા લાગ્યો. કઈ કેટલાય શરબીઓના ટેબલ પર શરાબની બોટલ પહોંચાડતો હતો. બસ એનું એક જ સપનું હતું. એના ભાઈ બહેનના જીવનપુસ્તકના દરેક પાના પર ખુશીઓ અને સફળતા જ લખાય. ગરીબી, નિષ્ફળતા અને મજબૂરી ક્યાંય ના હોય. આ સપનાને પૂરું કરવા એ કંઈ પણ કરવા તૈયાર હતો. એક દિવસ એક શરાબીએ એને કહ્યું કે જો તારે તારી કિસ્મત ચમકાવવી હોય તો આ ટેબલ ચમકાવવાનું છોડી દે અને આ સરનામે કાલે આવી જજે. અને પૂર્ણતઃ પોતાના ભાઈ બહેનને સમર્પિત લાલુ ફરી ક્યારેય એ શરાબની દુકાનમાં ન દેખાયો.
– જિજ્ઞાસા પટેલ ’જીગુ’ બારડોલી
લાલપૂંઠાવાળું પુસ્તક
આવો દિલીપભાઈ, બેસો સાહેબ, અને આ લો આપની લાલ પૂંઠાવાળી ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર. આપ ત્રીસેક વર્ષથી આ જ પુસ્તક ગોતતા હતા ને! આ પુસ્તક ગોતવા મેં કેટલાય રજિસ્ટર ફેંદ્યા, અને કેટલાને ફોન કરી પૂછતાછ કરી ત્યારે” બોલતા બોલતા લાયબ્રેરીયન વસંતભાઈનું ધ્યાન દિલીપભાઈ પર ગયું. વસંતભાઈના શબ્દો તો તેમના કાન સુધી પહોંચતા જ ન હતા. એક ધ્યાને તેમની હથેળી ખૂબ મૃદુતાથી પુસ્તકના લાલ પૂંઠા પર ફરતી હતી.તેમની આંખોમાં ચમક સાથે ભીનાશ પણ આવી ગઈ હતી. તેમણે હળવેથી પુસ્તકને ચઢાવેલું લાલ પૂંઠું ખોલ્યું, ત્યાં જ એક ઘડી બંધ કાગળ બે પૂંઠાની વચ્ચેથી સરકીને નીચે પડ્યો. વસંતભાઈ વાંકા વળીને કાગળ લેવા જાય એ પહેલા લાકડીને સહારે બેઠેલા દિલીપભાઈએ તરાપ મારીને કાગળ ઉઠાવી લીધો ને છાતી સરસો ચાંપી દીધો.
– અલ્પા વસા
અંદેશો
દસ વર્ષથી નિઃસંતાન શેઠાણી એમના હવેલી જેવા ઘરમાં બાળકોની ખોટમાં પુસ્તકો સાથે સમય વિતાવતા અને પોતાનો ખાલી ખોળો ભરાય એની રાહ જોતાં.આજે રવેશમાંથી શાંતાબેન દાયણને જતા જોઈ શેઠાણી બોલ્યા,”કેમ દેખાતી નથી હમણાં?” શાંતા બોલી,”આવું વળતા અત્યારે તો ઓલી સુમલીને વેણ ઉપડ્યું છે તે જાઉં છું.”વળતાં શાંતા દાયણ શેઠાણીને રામરામ કહેવા આવી. હવેલીમાં મજૂરીનું કામ કરતી સુવાવડી રાધા પર નજર પડતા એની અનુભવી આંખોને બે ગર્ભનો અંદેશો આવી ગયો. શેઠાણી, “શું આખો દિવસ થોથામાં ભરાઈ વાંચ્યા કરો ઝટ બહાર આવો ખાસ વાત કહેવી છે શેઠાણી નજીક આવતાં જ ગુસપુસ કરી,” લાગે છે પરભુએ એ તમારી ધા સાંભળી છે હવે.” શાંતાની વાત સાંભળી એની સુની આંખોમાં ચમક આવી અને શાંતાની મુઠ્ઠી ગરમ થઈ. એના ગયા પછી શેઠાણીએ હવેલીના રૂમે રૂમે લાઈટો કરી, મંદિરમાં દિવો પ્રગટાવી પ્રભુનો પાડ માન્યો. પુસ્તકાલયમાં કૃષ્ણની બાળલીલાનું પુસ્તક વાંચવા બેસી ગયા.
– મીનલ પંડયા જૈન