પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમય મોત મામલે હજુ પોલીસ નક્કર કાર્યવાહી કરી શકી નથી, ત્યારે આજે ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનો ખુલાસો થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચ એસીપી બીવી ગોહિલે જણાવ્યું હતું કે, ચિરાગ પટેલનો મોબાઈલ ફોન મળી આવ્યો છે. કઠવાડા ગામનો રહેવાસી યુવક વહેલી સવારે ઘટનાસ્થળ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચિરાગના બાઈક પર મોબાઈલ ફોન પડેલો જોતા તેણે ફોન લઈ લીધો હતો. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડીલીટ કરવામાં આવ્યા હોવાથી હવે પોલીસે ફોનને તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યો છે. જેના આધારે આગળની સ્થિતિ સ્પષ્ટ થશે. ગત તા.૧૬ માર્ચની વહેલી સવારે એટલે કે બે મહિના પહેલા ચિરાગનો મૃતદેહ કઠવાડા ગામની સીમમાં ટેભલી હનુમાન પાસેના અવાવરુ સ્થળેથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જે યુવક પાસેથી મોબાઈલ મળી આવ્યો છે તે યુવકે ચિરાગ પટેલના મૃતદેહને જોયો નહોતો, માત્ર બાઈક પર પડેલો મોબાઈલ ફોન જોતા તે લઈને જતો રહ્યો હતો. આમ ક્રાઈમ બ્રાન્ચ કહે છે કે, યુવકે મૃતદેહને જોયો નહોતો. પરંતુ સવાલ એ છે કે, ચિરાગનો મૃતદેહ બાઈકથી ૫૦-૭૦ મીટર દૂર સળગેલી હાલતમાં પડેલો હોવાછતાં દેખાયો નહીં? તાજેતરમાં પત્રકાર ચિરાગ પટેલના પીએમ રિપોર્ટ થયેલા ખુલાસા મુજબ, ચિરાગ પટેલના શરીર પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસીનનો ઉપયોગ થયો હતો. તેની સાથે સાથે તેની બોડી પર કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા પણ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે. ચિરાગ પટેલના મોત મામલે લોકોએ ટિ્વટર પર જસ્ટિસ ફોર ચિરાગ નામથી ઝુંબેશ ચલાવી હતી. તેમજ હજારો લોકોએ ચિરાગના મોતનું રહસ્ય ઉકેલવા માંગણી કરી હતી. આ મામલે નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવાની માંગ કરી હતી.
તેમજ અમદાવાદના પત્રકારો દ્વારા વસ્ત્રાપુર લેક પર કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે ચિરાગ પટેલનો મોબાઇલ મળતાં પોલીસને એક નવી મહત્વની કડી હાથ લાગી છે, જેની તપાસમાં કોઇ નક્કર માહિતી બહાર આવશે તો કેસની તપાસમાં ઘણી મદદ મળી રહેશે.