ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યપાલ બનવા માટે આનંદીબેન પટેલ પણ તૈયાર થયા બાદ આની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે આનંદીબેન પટેલ ફરી એકવાર સક્રિય થઇ ગયા છે. આનંદીબેન પટેલ રાજકીય ક્ષેત્રે વ્યાપક અનુભવ ધરાવે છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે લાંબી સેવા આપી ચુક્યા છે. આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનવાનુ ગૌરવ ધરાવે છે. વર્ષ ૧૯૮૭ બાદથી આનંદીબેન પટેલ ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ ૨૦૦૨થી ૨૦૦૭ના ગાળા દરમિયાન આનંદીબેન પટેલ કેન્દ્રિય શિક્ષણ પ્રધાન રહ્યા હતા. તેઓએ ૨૦૦૭થી વર્ષ ૨૦૧૪ દરમિયાન જુદી જદી જવાબારી સંભાળી હતી. ૨૨મી નવેમ્બર ૧૯૪૧ના દિવસે તેમનો જન્મ થયો હતો. ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા પણ શિક્ષક હતા. અત્રે નોંધનીય છે કે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દીધા બાદથી તેમને લાંબા સમયથી રાજ્યપાલ બનાવવાને લઇને ચર્ચા ચાલી રહી હતી. હાલમાં ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી મધ્યપ્રદેશના રાજ્યપાલના વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે.