સહજાનંદ કોલેજનો વિદ્યાર્થી ગાંજા સાથે ઝડપાયો

981

ભાવનગર શહેર તથા જીલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી પોતાની જીંદગી બરબાદ અને ખુવાર કરે છે અને ખાસ કરીને સારા ઘરના નબીરાઓ કે સ્કુલ કોલેજોમાં અભ્યાસ કરતા હોય તેઓ નશાના રવાડે ચડી પોતાની જીંદગી પાયમાલ કરે છે. જે બાબતને ખુબજ ગંભીરતાથી લઇ એસ.ઓ.જી. શાખાને આ બાબતે ખાસ વોચ/ડ્રાઇવ રાખી માહિતી મેળવી સ્કુલ/કોલેજની આજુબાજું  ખાનગી રાહે તપાસ કરી આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતી ધ્યાને આવે તો કાયદેસર કાર્યવાહી કરવા એસ.પી.ને સૂચના આપેલ.

જે સુચના અનુંસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન. બારોટે એસ.ઓ.જી. શાખાની જુદી-જુદી ટીમો બનાવી સ્કુલ/કોલેજ આસપાસ વોચ ગોઠવી વિધાર્થીઓ નશાનાં ચુંગાલમાં ના ફસાય તે સારૂ ખાસ કાર્યવાહી હાથ ધરેલ દરમ્યાન પીઆઇ એસ.એન.બારોટને ખાનગી  અને ચોક્ક્‌સ માહિતી મળેલ કે, મનન વિરલભાઇ શાહ પોતાના એકટીવા સ્કુટરમાં ગાંજાનો જથ્થો લઇને રબ્બર ફેકટરીના પાછળના ભાગેથી નીકળનાર છે. જે બાતમી હકિકત આધારે એસ.ઓ.જી. સ્ટાફે વોચ ગોઢવેલ અને વોચ દરમ્યાન એકટીવા સ્કુટર રજી. નંબર જીજે-૦૪-સીજી-૪૫૪૩ સાથે મનનભાઇ જીર્/ં વિરલભાઇ તનસુખભાઇ શાહ ઉ.વ.૧૯ વર્ષ રહેવાસી ૩૦૪, પન્ના પાર્ક, સરદારનગર ભાવનગરવાળાને ઝડપી પાડવામાં આવેલ તેની પાસેથી ગાંજાના ૧૧ પેકેટ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી ગાંજો સહિત મોબાઇલ ફોન-૧, રોકડ રૂપિયા ૧૪૫૦/- તથા ડ્રાઇવીંગ લાયસન્સ-૧ તથા એકટીવા સ્કુટર મળી કુલ રૂપિયા ૩૫૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવેલ અને મજકુર સામે નાર્કોટિક્સ એકટ તળે કાર્યવાહી કરી ધરપકડ કરી એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટે ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.

પકડાયેલ આરોપીની પુછપરછ કરતા પોતે સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ માં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અને તે તથા તેના મિત્રો ભેગા મળી ગાંજાના નશાના રવાડે ચડી ગયેલ હતા અને અમદાવાદ ખાતેથી ઇ- પેમેન્ટ દ્વારા  પૈસા મોકલી ગાંજાનો જથ્થો કુરીયર અને બસમાં પાર્સલની આડમાં બોક્સ પેકિંગ કરી મંગાવતા હતા અને મિત્રો ભેગા મળી ગાંજાનુ સેવન કરતા હતા. આમ આ કિસ્સો સમાજમાં લોકો માટે લાલબત્તી સમાન છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના સ્ટાફના જી.પી.જાની, બલવિરસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, હરેશભાઇ ઉલવા, ટી.કે.સોલંકી, અતુલભાઇ ચુડાસમા, યોગીનભાઇ ધાંધલ્યા, હારીતસિંહ વિજયસિંહ તથા શરદભાઇ ભટ્ટ જોડાયા હતા.

Previous articleદલિત અધિકાર મંચે આવેદન આપ્યું
Next articleસેલિબ્રિટી ડરમેટોલોજીસ્ટ  ડો,શર્મિલા નાયકના જન્મદિવસ પાર્ટીમાં પહોંચી હસ્તીયા!