રાજયના ૮ કોર્પોરેશન, ૧૦ હજાર ગામ અને ૧૬૮ નગરોને મળતાં નર્મદાના પાણીની અછત

753
guj2012018-6.jpg

રાજ્યની ૬૬ ટકા વસ્તી પીવાના પાણી માટે જેના પર આધારિત છે તે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો સીમિત રહેતા ગુજરાતમાં આગામી સમયમાં પીવાના પાણીની કારમી અછત સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાત પાસે નર્મદાનું હવે માત્ર ૧ મિલિયન એકરફિટ પાણી રહ્યું છે. જે આગામી ચોમાસા સુધી ચલાવવાનું છે. ઉનાળામાં સમસ્યા વિકટ બને તે પહેલા આગોતરા પગલાં માટે રાજ્ય સરકારે તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં નર્મદા સિવાયના પાણીના વિકલ્પો શોધવા અને શહેરી વિસ્તારોમાં પાણી કાપ સહિતના પગલાં લઇ પાણી બચાવવા માટેનું અભિયાન હાથ ધરવા સહિતના પગલાં સૂચવવામાં આવ્યા છે.
રાજ્યની ૬૬ ટકા વસતી પીવાના પાણી માટે સંપૂર્ણપણે નર્મદા પર આધારિત છે. રાજ્યની તમામ ૮ મહાનગરપાલિકા, ૯૯૦૦ ગામડા અને ૧૬૮ નગરોને નર્મદાનું પાણી આપવામાં આવે છે. નર્મદા એકમાત્ર સોર્સ હોવાથી હવે અન્ય કાયમી સોર્સ અંગે સરકારે વિચારવું પડે તેવી સ્થિતિ છે.ગત ચોમાસામાં મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્‌યો હોવાથી નર્મદામાં પાણીની આવક લગભગ અડધા જેટલી થઇ છે. ગુજરાતને નર્મદાનું પાણી સામાન્યરીતે ૯ મિલિયન એકરફિટ જેટલું મળતું હોય છે. જેના બદલે માત્ર ૪.૫ મિલિયન એકરફિટ પાણી મળ્યું છે, જેમાંથી ૩.૫ મિલિયન એકર ફિટ પાણીનો વપરાશ થતાં હાલ નર્મદા ડેમમાં કુલ પાણીમાંથી ગુજરાત માટે માત્ર ૧ મિલિયન એકરફિટ પાણી રહ્યું છે.
જેના પગલે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવાનું બંધ કરવાની જાહેરાત કરાય છે. બીજીતરફ પીવાના પાણી માટે પણ ઉનાળાનો સમય આકરો બને તેવી સ્થિતિ છે. કારણ કે જો ચોમાસામાં શરૂઆતના તબક્કે સારો વરસાદ ન પડે તો પાણીની અછત લંબાઇ શકે તેમ છે. જેથી સરકારે અત્યારથી જ પાણી બચાવવાનું અભિયાન શરૂ કરવા અને પાણીના અન્ય વિકલ્પો શોધવાની કવાયત આરંભી છે.
નર્મદામાં સીમિત પાણીને કારણે પીવાના પાણીની મુશ્કેલી ઊભી ન થાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પાણીની બચત ઉપરાંત લોકલ સોર્સ પુનઃજીવિત કરવા જેવા પગલાં સૂચવાયા છે. સાથે રાજસ્થાનના હિસ્સાનું પાણી મળે તેવા પ્રયાસો પણ કરાશે.

Previous articleબિલ્ડરોએ હાર્ડ કોપી મોડી રજૂ કરવા બદલ દિવસ દીઠ રૂ. ૧૦૦૦નો દંડ આપવો પડશે
Next articleઆસારામ આશ્રમમાં લોહીલુહાણ હાલતમાં મળેલા સાધકે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું