શેરબજારમાં આજે જોરદાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે બેંચમાર્ક સેંસેક્સ ૧.૫ ટકા અથવા તો ૫૩૭ પોઇન્ટ ઉછળીને ૩૭૯૩૧ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ, હિરો મોટો, મારુતિ સુઝુકી ઇન્ડિયા, કોટક બેંક, બજાજ ઓટોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. માર્કેટ બ્રીડ્થ તેજીમાં રહી હતી. આજે કારોબાર દરમિયાન અનેક શેરોમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીનો સમાવેશ થાય છે. બ્રોડર નિફ્ટીમાં પણ ૧.૩૩ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૪૦૭ રહી હતી તેમાં ૧૫૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં ૧૦૨૯શેરમાં તેજી અને ૭૨૩ શેરમાં મંદી નોંધાઈ હતી. એક્ઝિટ પોલના તારણો હવે ટૂંક સમયમાં જ જારી કરવામાં આવનાર છે. ૧૯મી મેના દિવસે સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન યોજાયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવશે જેનાથી સરકાર કોની બનશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થશે. જો કે, વાસ્તવિક મતગણતરી ૨૩મી મેના દિવસે યોજાશે. સેક્ટરલ ઇન્ડેક્સમાં માત્ર ત્રણ ઇન્ડેક્સ મંદીમાં રહ્યા હતા જેમાં નિફ્ટી મિડિયામાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી પ્રાઇવેટ બેંક સહિતના તમામ શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપમાં ૧૫૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો જેથી તેની સપાટી ૧૪૩૦૮.૩૬ નોંધાઈ હતી જ્યારે સ્મોલકેપમાં ૭૦ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૩૮૮૭ નોંધાઈ હતી.
એશિયન બજારમાં પણ સ્થિરતા જોવા મળી હતી. જાપાનના નિક્કીમાં શરૂઆતી કારોબારમાં ૦.૫ ટકાની રિકવરી જોવા મળી હતી. કોમોડિટી અને તેલ કિંમતોમાં આજે શુક્રવારના દિવસે ઉછાળો નોંધાયો હતો. આ મહિનામાં પ્રથમ વખત સાપ્તાહિકરીતે ઉછાળો નોંધાયો હતો. મધ્ય પૂર્વના દેશોમાં તંકદિલી વધી ગઇ છે. સપ્લાય ખોરવાઈ જવાની દહેશત દેખાઈ રહી છે. શેરબજારમાં કારોબારી સેશનમાં હવે લોકસભા ચૂંટણીના પરિણામો તથા એક્ઝિટ પોલના તારણોની અસર પણ જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ શેરબજારમાં એક્ઝિટ પોલ પહેલા જ તેજીનો માહોલ જામી ગયો છે. સેંસેક્સમાં ૫૩૭ પોઇન્ટનો ઉછાળો ઉલ્લેખનીય રિકવરીનો સંકેત આપે છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ઉથલપાથલવાળા સપ્તાહમાં અંતિમ દિવસે ઉછળીને બંધ રહ્યા હતા. હવે નવા કારોબારી સપ્તાહમાં ચૂંટણીના પરિણામો અને એક્ઝિટ પોલના તારણો વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. બજાજ ફાઇનાન્સના શેરમાં પણ તેજી જામી છે. આ ઉપરાંત રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ જારી કરવામાં આવી ચુક્યા છે. આના આધાર પર આરબીઆઈ દ્વારા આગામી નાણાંકીય નીતિ સમીક્ષામાં વ્યાજદર અંગે નિર્ણય લેવાશે.