શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેતા સાધકે કરેલા આત્મહત્યાના પ્રયાસના ચકચારી કિસ્સામાં સાધકે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. બળાત્કાર કેસમાં ફસાયેલા આસારામને જામીન નહીં મળતાં લાગી આવવવાથી આત્મહત્યા કરી હોવાનું મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઇંગ ડેક્લેરેશનમાં કબૂલાત કરી છે. ૧ જાન્યુઆરીના રોજ લોહીથી લથપથ હાલતમાં આસારામનો સાધક આશ્રમમાંથી મળી આવ્યો હતો.
શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં રહેતો સુદામા રાઉત નામનો સાધક આશ્રમના સ્ટોરરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. સાધકે પોતાના ગળાના અને શરીરના અન્ય ભાગે છરીના ઘા મારી આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. ઉપરાંત તેનું ગુપ્તાંગ પણ કાપેલી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં સાધકે આસારામ જેલમાંથી મુક્ત થતા ન હોઈ તેના વિયોગમાં આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. સાધક બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી તેને પોલીસને પેપર પર લખીને આત્મહત્યાના પ્રયાસનું કારણ જણાવ્યું હતું.
આસારામ આશ્રમમાં છેલ્લા કેટલાક સમયથી સાધક તરીકે ફરજ બજાવતાં સુદામા રાઉત (ઉ.વ. ૪૦)એ ગત ૧ જાન્યુઆરીના રોજ સવારે આશ્રમના સ્ટોરરૂમમાં પોતાના ગળા અને શરીરના અન્ય ભાગે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાધકે પોતાનું લિંગ પણ કાપી નાખ્યું હતું. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો. મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં સ્ટોરમાં છેલ્લા કેટલાક સમયથી સાધક તરીકે સેવા આપે છે.
સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો અને લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધકે બૂમ મારી હતી. જવાબ ન મળતા સાધક અંદર ગયો હતો અને એક ધાબળામાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. એક હાથ તેનો બહારના ભાગે જોવા મળ્યો હતો. લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હોવાથી તે બોલી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી નિવેદન લેવાયુ ન હતું.
સુદામાએ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઇંગ ડેક્લેરેશન આપતાં લખાવ્યું છે કે બળાત્કાર કેસમાં સંડોવાયેલા આસારામ જામીન પર નહીં છૂટતા તેના વિયોગમાં પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી.