ગુજરાતીઓમાં મોટાભાગના લોકોને માવા-પાન મસાલાનું વ્યસન છે. જેને કારણે શહેરમાં ઘણા લોકો પાનની પીચકારી મારી ગંદકી ફેલાવતા રહે છે. જોકે હવે પીચકારી મારી શહેર ગંદુ કરનાર પણ દંડાશે અને તેને પણ ઈ-મેમો મળી જશે. ત્યારે રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં પહેલા કુલ ૦૯ વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે.
જાહેર સ્થળ પર થૂંકનાર વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જણાયેલ અને તેની વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે કે.કે.વી. ચોકથી ૦૧, નાનામવા સર્કલથી ૦૧, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી ૦૩ અને ઢેબર ચોકથી ૦૪ વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યા હતા.
યુનિવર્સિટિ રોડ પર રહેતા નિતેશ ઓડેદરા નામના શખ્સને દંડ ફટકારવામાં આવ્યો છે. કેકેવી ચોક પાસે બંધ સિગ્નલ દરમિયાન જાહેરમાં થૂંકીને નિયમ ભંગ કર્યો હતો. જેથી નિતેશભાઈને ૨૫૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદ બાદ રાજકોટમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ જાહેરાત કરવામા આવી છે કે જાહેર સ્થળોએ ગંદકી કરનાર અને રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે ગંદકી કરનારને ઈ મેમો દ્વારા દંડીત કરવામા આવશે. જે અંતર્ગત જાહેરમાં પાનની પિચકારી મારનારે ઇમેમો આપવા બાબતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.
જેમાં જાહેરમાં થુંકનારને પ્રથમ ૨૫૦ રૂપિયા, બીજીવાર માટે રૂપિયા ૫૦૦, ત્રીજીવાર માટે રૂપિયા ૭૫૦ અને ત્યારબાદ મનપાના અધિકારી રૂબરૂ જઈને રૂપિયા ૧ હજારનો દંડ ફટકાશે. આ સાથે જ વાહન પણ ડિટેન કરશે.