વિજાપુર તાલુકાના ખરોડ ગામની સીમમાં આવેલા એક ખેતરના ટયુબવેલ નજીક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વિદેશી દારૃની બોટલોનું પ્રોડકશન કરવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિદેશી દારૃ બનાવવા માટે વપરાતી સામગ્રી સહિત પોલીસે આ સ્થળેથી રૃ.૯૧૭૦૩૦ની મત્તા કબજે કરી હતી. અને ઝડપાયેલા ત્રણ આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૃબંધી હોવા છતાં મહેસાણા જિલ્લામાં દેશી-વિદેશી દારૃ માંગો ત્યારે કહો તે સ્થળે બુટલેગરો દ્વારા બેરોકટોક પહોંચાડવામાં આવે છે. પોલીસની ધોંસ વધે તો દારૃની હેરાફેરી કરતા તત્વો અવનવા નુસખા અપનાવતા હોય છે. દરમિયાન વિજાપુર તાલુકાના ખરોડ ગામની સીમમાં આવેલ એક ગોડાઉનમાં ડુપ્લીકેટ વિદેશી દારૃ બનાવવાના કૌભાંડનો બાતમી આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. જેની પ્રાપ્ત વિગત પ્રમાણે વિસનગરના ડીવાયએસપી એમ.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી લાડોલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે વખતે બાતમી મળેલ કે, વિજાપુર તાલુકાના ખરોડ ગામનો પટેલ ચંદુ નટવરભાઇ બીલીયાથી ખરોડ જતા માર્ગ ઉપર શંકરપુરા પાટીયા નજીક એક ટયુબવેલ બાજુમાં આવેલ ગોડાઉનમાં ડુપ્લીકેટ વિદેશી દારૃ બનાવી બોટલોમાં ભરી જુદી-જુદી કંપનીઓના સ્ટીકરો ચોંટાડી વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે આ સ્થળે ઓચિંતી રેડ કરતાં ચોકાવનારી વિગતો ખુલી હતી. પોલીસ અહીંથી દારૃ બનાવવાની સામગ્રી ૪૮૦ દારૃની બોટલો, મોબાઇલ, બે વાહનો મળી રૃ.૯૧૭૦૩૦ની મત્તા કબજે કરી હતી. અને ઝડપાયેલા ત્રણ શખસો વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.