મગફળીકાંડ, તુવેરકાંડ, ખાતરકાંડ એમ ગુજરાતમાં ખેડૂતોના નામે, તેમની સાથે છેતરપિંડીનો સિલસિલો હવે ડુપ્લિકેટ બિયારણ કૌભાંડ સુધી પહોંચ્યો છે. બિયારણ માટે હબ ગણાતા ગાંધીનગરના માણસા સ્થિત જીઆઈડીસીમાં ગુરુવારે ડુપ્લિકેટ બિયારણ ઉત્પાદન કરતી આખી ફેક્ટરી કૃષિ નિયામક કચેરીના ક્વોલિટી કંટ્રોલ સેલે ઝડપતા ખેડૂતોના નામે ક્યાં શું ચાલી રહ્યુ છે તેનો વધુ એક પર્દાફાશ થયો છે.
ગાંધીનગર પાસેનુ માણસા બિયારણ માટેનું હબ છે. અહીંની જીઆઇડીસીમાં છેલ્લા ત્રણેક દિવસથી કૃષિ નિયામકના ક્વોલિટી કંટ્રોલ સેલ દ્વારાર્ સિંચગ ઓપરેશન ચાલી રહ્યુ છે. અગાઉના દરોડામાં ડુપ્લીકેટ બિયારણ મળ્યા બાદ તંત્ર દ્વારા ગુરૂવારે ફરીથી રેડ થતા બિયારણ, જંતુનાશક દવાઓના વેપારીઓ શટર ડાઉન કરીને જતા રહ્યા હતા.
તેવામાં તિરૂપતી બીજ કંપની લીમિટેડના ગોડાઉનમાંથી બીટી કોટનનું ડુપ્લીકેટ બિયારણ મળી આવતા સ્થાનિક વેપારીઓ, ઉત્પાદકોમાં દોડધામ મચી ગઈ હતી. ક્વોલિટી કંટ્રોલ સેલના ઓફિસરોએ બે દિવસ પહેલા જ આવા જ એક કિસ્સામાં વેપારી દશરથ માધવલાલ પટેલ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી કરી હતી.
તેવામાં જીઆઇડીસીમાં પ્લોટ નંબર ૫૦૧, ૪૨૧-સીમાં તપાસ કરતા અહિ વિશ્વાસ બાયોજીનેટીક પ્રા. લિમીટેડ કંપનીના લેબલ હેઠળ બિયારણ અને જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવી રહ્યુ હોવાનું જણાયુ હતું. કિંગ-૫૫૫, બીજી-૨ બ્રાંડનેમ સાથે બીટી કોટનનું બિયારણ મળી આવ્યુ હોવાનું જણાવતા દરોડો પાડનારા ઓફિસરોએ કહ્યુ કે, આ બિયારણમાં અંગ્રેજીમાં બોલગાર્ડ-૨ના લખાણ હતા. ઉપરાંત પેન્ડિલાના લેબલ હેઠળ વેચાતી જંતુનાશક દવાની બોટલો પણ મળી આવી છે.
જંતુનાશક દવાઓમાં માનવજાત માટે પણ નુકશાનકારક તત્વો હાવાની શક્યતાઓને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ દવા અને બિયારણ શંકાસ્પદ હોવાનું જણાય છે. જેથી તેના સેમ્પલ લઈનને વધુ ચકાસણીઅર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. પ્રાથમિક સ્તરે બીટી કોટનનું બિયારણ ડુપ્લીકેટ હોવાનું જણાય છે. પરંતુ, લેબોરેટરીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સરપ્રાઇઝ રેડથી જીઆઈડીસીમાં અન્ય બિયારણ ઉત્પાદક, વેચાણ કરતી ફેક્ટરી- એકમો ટપાટપ બંધ થઈ ગયા હતા.
વિશ્વાસ બાયોજીનેટીક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન પેકિંગ અને લુઝ બીટી કોટનનું બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી તંત્ર દ્વારા પેકિંગ તેમજ લુઝ બિયારણના જથ્થામાંથી સેમ્પલ લેવાયા છે. કૃષિ નિયામક કચેરીના સુત્રોના કહેવા મુજબ અહીં, બિયારણમાં ભેળસેળ પણ થતી હોવાની શક્યતાનો ઈન્કાર કરી શકાય તેમ નથી.