બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરનારી શાળાઓને નાણાં ચૂકવાશે

596

ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્ર ભરવા બદલ શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થી દીઠ રૂપિયા ૧૦ની ચુકવણી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને કરશે. નાણાંની ચુકવણી માટે શિક્ષણ બોર્ડ દ્વારા નિયત ફોર્મમાં ૨૭મી, સોમવાર સુધીમાં વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની વિગતો મંગાવવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ઓનલાઇન મંગાવ્યા હતા. ઓનલાઇન ફોર્મ ભરવાથી આર્થિક બોજો ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને વેઠવો પડ્‌યો હતો.

આ અંગેની કોઇ જ ગ્રાન્ટ સરકારમાંથી મળતી નથી. આથી ઓનલાઇન ફોર્મ ભરવાના ખર્ચની શાળાઓના મંડળોએ શિક્ષણ બોર્ડ પાસે માંગણી કરી હતી. જેને પગલે શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા ૧૦ ચાર્જ શાળાઓને ચુકવવાનો ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો.

સામાન્ય સભામાં કરાયેલા ઠરાવ અંતર્ગત શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને નિયત ફોર્મમાં વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી મોકલી આપવા આદેશ કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રાન્ટેડ અંદાજે ૮૫૮૪ શાળાઓ તેમજ સરકારી અંદાજે ૧૫૫૫ શાળાઓ આવેલી છે, આ તમામને નાણા ચૂકવણી કરાશે. શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી અંદાજે ૧૦૧૩૯ શાળાઓના ધોરણ-૧૦ અને ૧૨ના અંદાજે ૧૨.૯૫ લાખ વિદ્યાર્થીઓને રૂપિયા ૧૦ લેખે અંદાજે રૂપિયા ૧.૨૯ કરોડની રકમ ચુકવવામાં આવશે.

રાજ્યમા શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે લેવામા આવતી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાવવામા આવતા હોય છે આ ફોર્મ ઓનલાઈન ભરવામા આવે છે. તેથી બોર્ડ તરફથી આવા ફોર્મ ભરવા બદલ વિદ્યાર્થી દીઠ ૧૦ રૂપિયા જે તે શાળાઓને ચુકવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. અત્યારસુધી આવી ચુકવણી કરવામા આવતી ન હતી પણ આ વખતથી જે તે શાળાઓને તેમના વિદ્યાર્થી દીઠ ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરવા બદલ ૧૦ રૂપિયા ચુકવવા નિર્ણય થતા શિક્ષણક્ષેત્રે નવી પ્રથા શરૂ થશે.

શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં વિદ્યાર્થીઓ દીઠ શાળાઓને નાણાં ચુકવવાનો નિર્ણય પ્રથમ વખત લેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડને ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ પાસેથી ઓનલાઇન ફોર્મ મંગાવવા બદલ શિક્ષણ બોર્ડને આર્થિક બોજો પડશે.તેમ જણાવવામા આવ્યુ છે.

Previous articleસિરિયલ કિલિંગ કિન્નર રાનીએ નથી કર્યું, ATSની પુછપરછમાં ઘટસ્ફોટ
Next articleસાબરકાંઠામાં પાણીની લાયમાં ૭૦ ખેડૂતો ૩ કરોડમાં છેતરાયા, PVC પાઇપ કંપનીએ ફ્રોડ કર્યું