લોકસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બીજેપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ ખૂબ હુમલા બોલ્યા. પ્રિયંકાએ મિર્ઝાપુરની રેલી દરમિયાન પીએમ મોદીને એક્ટર બતાવ્યા. આટલું જ નહીં, તેમણે પીએમ પર કટાક્ષ કરતા કહ્યું કે તેનાથી સારું તો અમિતાભને જ પીએમ બનાવી દેવા હતા. પ્રિયંકાની રેલીમાં ઓમ પ્રકાશ રાજભરની પાર્ટીના સમર્થકો પણ જોવા મળ્યા જેઓ રાજભરની પાર્ટીના ઝંડા સાથે ઊભા હતા.મિર્ઝાપુરથી કોંગ્રેસના ઉમેદવાર લલિતેશ પતિ ત્રિપાઠી માટે પ્રચાર કરતા પ્રિયંકાએ કહ્યું, મોદીજી, નેતા નથી અભિનેતા છે. હવે તમે જ સમજી લો કે તમે દુનિયાના સૌથી મોટા અભિનેતાને પોતાના પીએમ બનાવી દીધા છે. તેનાથી સારું તો તમારે અમિતાભ બચ્ચનને જ બનાવી દેવા હતા, કોઈ તમારા માટે કશું કરવાના નહોતા.
પ્રિયંકા આગળ કહે છે, જો મોદી ફરી પીએમ બનશે તો ૫ વર્ષ વધારે પિક્ચર જોવું પડશે. આથી નક્કી કરી લો કોને વોટ આપવો છે. જમીન પર કામ કરનારા નેતા અથવા હવામાં ઉડનારાને. મોદી દરેક ચૂંટણીમાં નવી સ્ટોરી બતાવે છે. પહેલા સ્ટોરી બનાવી કે ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે, પરંતુ તે ન થયું અને પછી નવી સ્ટોરી બનાવી. આ વખતે ખેડૂતો માટે નવી સ્ટોરી બનાવી અને કહ્યું કે ખેડૂતો માટે સન્માન યોજના લાવ્યા છીએ.
પ્રિયંકાએ મોદી પર નિશાન સાધતા કહ્યું, આ ખેડૂત સન્માન નહીં ખેડૂત અપમાન યોજના છે. તેમની આ યોજના હેઠળ જે ખેડૂતોને ૨ હજાર રૂપિયા પાછલા દિવસોમાં અપાયા છે તે પણ પાછા લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે જોઈ કોઈ પરિવારમાં ૧૦ લોકો છે તો પીએમની યોજના પરિવારના પ્રત્યેક વ્યક્તિને ૧ રૂપિયો આપી રહી છે.
આટલું જ નહીં રેલીમાં પ્રિયંકાએ મોદીની નકલ ઉતારતા કહ્યું, કાલે તેઓ મિર્ઝાપુર આવ્યા હતા અને કહી રહ્યા હતા ‘ભાઈ સપના જોવા ખોટી વાત નથી’. પ્રિયંકા આગળ કહે છે પરંતુ ખોટા સપના બતાવવા ખૂબ જ ખરાબ બાબત છે. આ ચૂંટણી અમે લોકતંત્ર માટે લડી રહ્યા છીએ. દરેક નાગરિકને જવાબદારીથી વોટ આપવો જોઈએ. પ્રિયંકાએ રેલી પહેલા રોડ શો પણ કર્યો હતો.
રોડ શો દરમિયાન એક જગ્યાએ ભાજપના કાર્યકરોએ મોદી…મોદીના નારા લગાવ્યા હતા. રોડ શો દરમિયાન મસ્જીદમાં અઝાન થતા પ્રિયંકા ગાંધીએ એક તબક્કે પોતાનુ ભાષણ રોકી દીધુ હતુ.