ખંભીસર : દલિતોના વરઘોડાના વિવાદમાં અંતે ફરિયાદ દાખલ

770

અરવલ્લી જિલ્લાના મોડાસાના બહુચર્ચિત ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વરરાજાના વરઘોડા પર હુમલો થયો હતો અને દલિતોનો સ્થાનિક ગ્રામજનો દ્વારા સામાજિક બહિષ્કાર કર્યો હતો, જેને લઇ સમગ્ર રાજયમાં મામલો ગરમાયો હતો. આ સમગ્ર મામલે મોડાસા ગ્રામ્ય પોલીસે આખરે ખંભીસરના ૪૫ ગ્રામજનો સહિત ૧૫૦ જણાંના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ કેસમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી હવે વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીની સ્થાપના કરનાર ચંદ્રશેખર આઝાદ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. રાજયમાં કડીના લ્હોર, ખંભીસર સહિતના બનાવોને પગલે ઉત્તર પ્રદેશથી તેણે અમદાવાદમાં આવીને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે,સરકાર પાસે ન્યાય માગવાથી મળતો નથી પણ છીનવવો પડે છે. સરકાર તેનું કામ કરશે, અમે અમારું કામ કરીશું. ન્યાય નહીં મળે તો આંદોલન કરીશું. અમે અલવરમાં પણ આંદોલન કર્યું હતું. ગુજરાતનું વિકાસ મોડલ આજ હોય તો દેશમાં લાગુ થવું જોઈએ નહીં. ખંભીસરના અનુસૂચિત જાતિના યુવાનના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જો કે આ વરઘોડાને ગંભીરતાથી લઈને આઈબીએ રિપોર્ટ કર્યો હતો. સરકારમાં તેની ગંભીરતા રજૂ કરી હતી. છતાં પોલીસ ઢીલી નીતિ અપનાઈ હતી. જેને પગલે ખંભીસરમાં શિડ્‌યૂલ કાસ્ટ (એસસી) સમાજના લગ્નના વરઘોડો પર હુમલાનો બનાવ બન્યો હતો. ખંભીસરમાં અનુસૂચિત જાતિના લોકો વરઘોડો કાઢવા સામે ગામના અન્ય જ્ઞાતિના લોકોએ હોમહવન કર્યા હતા. છતાં પોલીસ પ્રોટેક્શનમાં નીકળતા તેના પર પથ્થરમારો કર્યો હતો.

જેમાં ૧૦થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી. ખંભીસરના વરઘોડો પર હુમલાના બનાવમાં અરવલ્લી પોલીસે અત્યાર સુધી બે લોકોની ધરપકડ કરી છે.

ભાવેશ પટેલ અને હસમુખ પટેલ નામના વ્યક્તિને પકડી લીધા બાદ પોલીસ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ભારે વિવાદ અને રાજકારણ બાદ હવે મોડાસા પોલીસે ખંભીસના ૪૫ ગ્રામજનો સહિત કુલ ૧૫૦ જણાંના ટોળા સામે આ કેસમાં વિધિવત્‌ ફરિયાદ દાખલ કરી હતી. જેને લઇ હવે સવર્ણ સમાજ અને અન્ય જાતિમાં નારાજગીની લાગણી ફેલાવા પામી છે.

Previous articleપૂર્ણ બહુમતીની સરકાર પાંચ વર્ષ પછી ફરી ચૂંટાઈ આવશે : મોદી
Next articleબિયારણમાં કોઇ કૌભાંડ નથી, ત્રણ દિવસમાં મામલો થાળે પડશેઃ રૂપાણી