ક્રિકેટનું મહાપર્વ વર્લ્ડકપ આગામી ૩૦મી મે થી શરૂ થઈ રહ્યું છે. આ વખતે વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં રમાશે. આઈપીએલ પુરી થઈ ગઈ છે ત્યારે વર્લ્ડકપનો આનંદ બેવડાયો છે. દુનિયાભરના કરોડો ચાહકોને ચાતક નજરે તેની રાહ જોઈ રહ્યાં છે. વર્લ્ડકપ શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આઈસીસી વર્લ્ડકપ ૨૦૧૯નું એન્થમ રિલીઝ કરવામાં આવ્યું છે.
એન્થમનું નામ સ્ટેંડ બાય છે જેને લોર્યન અને રૂડીમેન્ટલએ મળીને બનાવ્યું છે. આઈસીસીએ જાણકારી આપતા કહ્યું કે, સ્ટેન્ડ બાય સોન્ગ જે આઈસીસી વર્લ્ડ કપનું એન્થમ છે, દરેક મેચ દરમ્યાન સ્ટેડિયમ અને શહેરમાં વગાડવામાં આવશે. લોર્યન અને રૂડીમેન્ટલએ વર્લ્ડ કપ એન્થમમાં યૂનાઈટેડ કિંગડમની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવી છે.
વર્લ્ડ કપ દુનિયાની સૌથી મોટી રમત સ્પર્ધામાંની એક છે. જેને નિહાળવા દુનિયાભરથી ક્રિકેટ રસિયાઓ ઈંગ્લેન્ડ પહોંચશે અને કરોડો લોકો તેને ટીવી અને ઓનલાઈન માધ્યમથી જોશે.
આઈસીસી વર્લ્ડ કપની પહેલી મેચ ૩૦મેના રોજ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે. ૧૪ જુલાઈએ લોડ્ર્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાશે.