સિદ્ધપુર હાઇવે ઉપર આવેલી હોટેલ અમરદીપ નજીક આશાપુરા ધાબાને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં ગુરુવારે સાંજે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના આઇજી આશિષ ભાટિયાની સીધી દેખરેખ નીચે પી.આઈ દહિયાની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ડીઝલ ચોરીનો કૌભાંડ ઝડપી પાડ્યું હતું.
સિદ્ધપુરના સુજાણપુર હાઇવે પર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), હિન્દુસ્તાન પેટ્રોલિયમ(સીપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ) કંપની આવેલી છે જ્યાંથી રોજ અંદાજિત ૩૫૦ ઉપરાંત ટેન્કરોમાં ડીઝલ અને પેટ્રોલ નો જથ્થો ગુજરાતના પેટ્રોલ પમ્પો પર સપ્લાય કરવામાં આવે છે. જેના કારણે સિદ્ધપુરના હાઇવે પર ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતી ગેંગો સક્રિય બની છે. અહીં અવાર નવાર આવી ગેંગો ઝડપાય છે પરંતુ તેમ છતાંય આ કારોબાર અટકતો નથી.
સિદ્ધપુરના નેશનલ હાઇવે ઉપર ઓઇલ ડેપો ઉપરથી દરરોજ લાખો લીટર ડીઝલ ટેન્કરો મારફતે અલગ અલગ સ્થળે મોકલવામાં આવે છે જેમાં ઓઇલ ડેપોમાં ટેન્કર સીલ થયા બાદ તુરત જ ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતી ગેંગ દ્વારા હાઈવે ઉપર આવેલી હોટલો ના પાછળના ભાગે ટેન્કરો લઈ જઈને તેના શીલ ખોલી ડ્રાઇવરો અને ડીઝલ ચોરો કેટલોક જથ્થો ટેન્કરમાંથી કાઢીનાખી ડીઝલ અને પેટ્રોલના ટેન્કરોને પોતાની જગ્યા પર લાવી ટેન્કરઓના શીલ ખોલીને ડ્રાઇવરોની મદદથી ડિઝલની ચોરી કરી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવતું હતું. જોકે આ કેસમાં રમજુભાઈ કાસમભાઈ સુમરા પાસેથી ટેન્કરના લોક ખોલવા માટેની માસ્ટર ચાવી પણ મળી આવી હતી.
આ ચોરી કરેલું ડીઝલ લોકોને બજાર ભાવ કરતા ૧૦ થી ૧૫ રૂપિયા પ્રતિ લીટર સસ્તા ભાવે વેચી મારવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું જેની ચોક્કસ બાતમી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને મળતા ગુરુવારે મોડી સાંજે અચાનક આ સ્થળે છાપો માર્યો હતો અને આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
રેડ દરમ્યાન સીઆઇડી ક્રાઇમની ટીમે સ્થળ ઉપરથી ચાર ટેન્કર એક જીપ અને પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રૂ. ૮૯,૯૬,૫૮૧/- તેમજ રાજપુર ગામે દિલીપસિંહ મેરુજી ઠાકોરના મકાનની બાજુમાં સંગ્રહ કરેલ ડીઝલ અને પેટ્રોલનો જથ્થો કી.રૂ. ૧,૭૩,૨૦૦/- મળી કુલ રૂપિયા ૯૧,૬૯,૭૮૧/- લાખ તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા કેરબા, પીપ, પાઇપો, પ્લાસ્ટિકની ડોલો સહીતનો મુદ્દામાલ જપ્ત કરી ૧૨ શખ્સોની અટકાયત કરી હતી જયારે એક ઈસમ નાશી છૂટ્યો હતો આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.