મેઘરજ તાલુકામાં પણ જરૂરીયાત કરતા ચોમાસાનો ખુબજ નહીવત અને ઓછો વરસાદ પડતા તાલુકાના મોટા ભાગના નદી,નાળા તળાવો અને ચેકડેમો શિયાળાના પ્રારંભથી જ કોરા ધાકોર બનતા ઠેર ઠેર ઉનાળામાં દુષ્કાળની સ્થીતિ નિર્માણ પામતા તાલુકાના પશુપાલકોની સ્થિતિ કફોડી બની છે. જેના કારણે આ વિસ્તારમા ભારે ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
તાલુકામાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે ત્યારે ચોમાસામાં નહીવત વરસાદ પડવાના કારણે શિયાળાના પ્રારંભથીજ તાલુકામાં પાણીનો કકળાટ ચાલુ થયો હતો અને પાણીની વિકટ સમસ્યા નિર્માણ પામતા ઉનાળામાં પણ પાણીની તંગી સર્જાતા પશુઓ માટે ખેડૂતો ઘાસચારાનુ વાવેતર કરી શક્યા ન હોવાથી ઉનાળાની ગરમીમાં માણસોને અને પશુઓને પીવાના પાણીની સમસ્યા સાથે પશુઓને ખવડાવવાના ઘાસચારાની પણ ભારે તંગી સર્જાતા પશુપાલકોને સુકા દુષ્કાળની પરીસ્થિતિમાં ધુમધખતા તડકામાં દુર દુર સુધી જઈ લીલા વૃક્ષોનો પાલો લાવી પાલો ખવડાવવાનો વારો આવ્યો છે અને વૃક્ષોનો પાલો પણ વૃક્ષોના માલિકો ન પાડવા દેતા પશુઓને ભુખ્યા રહેવાનો વારો આવતા પડતા પર પાટા જેવી વિકટ પરિસ્થિતિ નિર્માણ પામી છે.
તાલુકાના પશુપાલકોને સરકાર દ્વારા રાહતદરે પશુઓને ખવડાવવાના ઘાસચારાનુ વિતરણ કરવામાં આવે તેવી પશુપાલકોમા માંગ ઉઠી છે.