ગાંધીનગર સહિત રાજ્યભર માં હવે યુવકોમાં મોડી રાત્રે જાહેરમાં બર્થ ડેના નામે ધમાલ-મસ્તી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. આવો જ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઘ-૨ સર્કલ ઉપર જ કેટલાક યુવકો છાકટા બન્યા હતા.
સર્કલ પર જ સામાન્ય વાહન ચાલકોને ટ્રાફિકને સમસ્યાને અડચણ રૂપ બને તે રીતે યુવકો બુમાબુમ કરતાં હતા. રસ્તા પર જ બર્થ ડે બમ્પ મારતા યુવકોએ પછી રસ્તા પર જ ૫૫૫ના બોમ્બ ફોડ્યા હતા. જેમાં એક યુવકે તો સળગાવેલા બોમ્બને લાત મારી રોડ પર ફેંક્યો હતો.
આ સમયે જો કોઈ વાહન ચાલક આવી જાય તો ગભરાઈને તેનો અકસ્માત પણ થઈ શકે તેમ હતો. ત્યારે આ મુદ્દે હાલ શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે, બર્થ ડેની ઉજવણીની ઉત્સાહ સાચો પરંતુ રસ્તા પર ધમાલ કરી લોકોને મુશ્કેલીમાં મુકવાની વૃતિ ખોટી છે. બીજી તરફ લોકોનું માનવું છે કે, શહેરમાં જ્યારે ચારેબાજુ સીસીટીવી લગાવાયા છે. ત્યારે પોલીસે પણ આવી પ્રવૃતિઓને કેમેરામાં જોઈને રોકવી જોઈતી હતી. ટિ્વટર પર વીડિયો શેર થતાં કલેક્ટરે પગલાં લેવાની તૈયારી બતાવીઃ ટિ્વટર પર વીડિયો શેર થતાં અને શહેરમાં ચર્ચા થતાં ગાંધીનગર કલેક્ટર એસ. કે. લાંગાએ પણ યુવાનોની આ ઉજવણીને વખોડીને આવી વૃતિઓ સામે પગલાં લેવાની તૈયારી બતાવી હતી.
આ અંગે ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ કહ્યું હતું કે, ‘વીડિયોને લઈને સીસીટીવી ફૂટેજમાં રસ્તા પર ઉજવણીની તપાસ કર્યા બાદ વ્હીકલની ઓળખ કરી આ લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.’