છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કોર્પોરેશન દ્વારા ચાલતા વિવિધ વિકાસલક્ષી કામો દરમ્યાન જે તે કામના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ગ્રીનસીટીએ મહામહેનતે ઉછેરેલા વૃક્ષોને મોટું નુકશાન પહોંચ્યું છે. આ અંગે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ એ કમિશ્નરને આક્રોશભર્યો પત્ર લખી જાણ કરી હતી અને યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી. આ સંદર્ભમાં કમિશ્નરે હાલ ચાલતા કામના તમામ કોન્ટ્રાક્ટરોને તેમના કામ દરમ્યાન વૃક્ષોને પર્યાવરણને નુકશાન ન પહોંચે તે રીતે કામગીરી બજાવવા કડક સૂચના આપેલ છે.
હાલમાં જ રવેચીધામની બાજુની ખુલ્લી જગ્યામાં ગ્રીનસીટી દ્વારા નખાયેલ ૧૧ જેટલા વૃક્ષો અને ટ્રી ગાર્ડને માટીથી અડધા અડધા થી પોણા ડુબાડી દઇ પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ અંગે દેવેનભાઇએ વધુ તપાસ કરતા આ માટીના ઢગલા એરપોર્ટ રોડ પર ચાલી રહેલી બે મોટી સ્કીમના ખાડા કરવામાં નીકળેલી માટી અહીં વૃક્ષો તથા ટ્રી ગાર્ડ ઉપર નાખી દેવામાં આવી હતી. આ અંગે દેવેનભાઇએ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ સાથે વાત કરતા ચેરમેને જણાવેલ કે આ અંગે હું ખુદ તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લઇશ. ગ્રીનસીટીના દેવેનભાઇએ પ્રાઇવેટ સ્કીમના કોન્ટ્રાક્ટરો ચેતવણી આપતા જણાવ્યું છે કે હવે વૃક્ષોને કે પર્યાવરણને તેઓ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવશે તો ગ્રીનસીટી સંસ્થા દ્વારા કાયદેસરની કાર્યવાહી તેઓ કરશે.