વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય મૂડી માર્કેટમાંથી મે મહિનામાં હજુ સુધી ૬૩૯૯ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. ચૂંટણી સંબંધિત અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તંગદિલીના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ રહી છે. આ પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન સતત પૈસા ઠાલવ્યા હતા. જો કે, આ પ્રવાહમાં મે મહિનામાં રિવર્સ પ્રવાહ જોવા મળી રહ્યો છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા બીજીથી ૧૭મી મેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૬૧૨.૬૨ કરોડ રૂપિયા અને ઇક્વિટીમાંથી ૪૭૮૬.૩૮ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. આની સાથે જ નેટ આઉટફ્લોનો આંકડો ૬૩૯૯ કરોડ રૂપિયાનો રહ્યો છે. શેરબજારમાં અનિશ્ચિતતા માટે જુદા જુદા પરિબળો જવાબદાર રહ્યા છે ત્યારે આની સીધી અસર પણ જોવા મળી રહી છે. વધુમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણાની સીધી અસર પણ નોંધાઈ રહી છે. એફપીઆઈ દ્વારા મે મહિનામાં ઉલ્લેખનીય નાણાં પાછા ખેંચાયા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. વિદેશી મુડારોકાણ કારોએ જુદા જુદા પરિબળોના ઘટનાક્રમ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાના ભારતીય બજારમાં જોરદાર રોકાણ કર્યું હતું. જાણકાર લોકોનું કહેવુ છે કે, ભારતમાં ચૂંટણી પરિણામ જાહેર ન કરવામાં આવે ત્યા સુધી પ્રવાહી સ્થિતિ રહેશે. કારણ કે, મુડી રોકાણકારો કોઈ જોખમ લેવા તૈયાર નથી. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા.