દોડવીર દુતી ચંદે ખુલાસો કર્યો છે કે તે સમલૈંગિક સંબંધમાં છે. તે ભારતની પ્રથમ એથલીટ છે જેણે આ પ્રકારની વાત જાહેરમાં સ્વીકારી છે. દુતીએ જણાવ્યું કે, તે પોતાના ગૃહનગર ચાકા ગોપાલપુર (ઓડિશા)માં એક યુવતીની સાથે સંબંધમાં છે. પરંતુ દુતીએ પોતાના પાર્ટનરનું નામ જણાવવાની ના પાડી છે. તે નથી ઈચ્છતી કે પોતાની પાર્ટનર કારણ વગર લોકોની નજરમાં આવે.
તેણે કહ્યું, ’કોઈને પણ મને જજ કરવાનો હક નથી.’ આ મારી વ્યક્તિગત પસંદ છે. તેનું સન્માન કરવું જોઈએ. હું દેશ માટે મેડલ જીતવાનો પ્રયત્ન કરીશ.
જેન્ડર વિવાદને કારણે પ્રતિબંધ લાગ્યો હતો દુતી પર ૨૦૧૪ ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમત પહેલા જેન્ડર વિવાદને કારણે એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. તે ટૂર્નામેન્ટમાં ભાગ ન લઈ શકી. દુતીનું ટેસ્ટોસ્ટોરેન (હોર્મોન) વધી જાય છે, તેનાથી તેના પર પુરૂષ હોવાનો આરોપ લાગ્યો હતો. તેની અપીલ પર લુસાને (સ્વિટ્ઝર્લેન્ડ) સ્થિત રમત મધ્યસ્થતા અદાલતે આંતરરાષ્ટ્રીય એસોસિએશન ઓફ એથલેટિક્સ ફેડરેશન (આઈએએએફ)ના નિર્ણયને પલટી દીધો હતો. ત્યારબાદ દુતી ૨૦૧૬ રિયો ઓલમ્પિકમાં ભાગ લઈ શકી હતી.
મેં સમલૈંગિકતા માટે હંમેશા અવાજ ઉઠાવ્યો દુતીએ કહ્યું, ’મને એવું કોઈ મળ્યું છે, જે મારૂ જીનસાથી છે.’ હું માનું છું કે દરેકને આ વાતની આઝાદી હોવી જોઈએ કે તે કોની સાથે જીવન પસાર કરે છે. મેં હંમેશા તે લોકોના હકમાં અવાજ ઉઠાવ્યો છે જે સમલૈંગિક સંબંધોમાં રહેવા ઈચ્છે છે. આ કોઈને વ્યક્તિગત પસંદ છે. મારૂ ધ્યાન હાલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક રમતો પર છે, પરંતુ હું ભવિષ્યમાં તેની સાથે ઘર સવાવવા ઈચ્છું છું.
આગામી ૫-૭ વર્ષ હજુ દોડી શકુ છું દુતીએ કહ્યું, હું કોઈ એવા સાથે રહેવા ઈચ્છતી હતી, જે મને એક શાનદાર ખેલાડી બનવા માટે સતત પ્રેરિત કરે. હું છેલ્લા ૧૦ વર્ષોથી દોડવીર છું અને લગભગ આગામી ૫-૭ વર્ષો સુધી વધુ દોડી શકું છું. હું સ્પર્ધામાં ભાગ લેવા માટે વિશ્વભરમાં ફરુ છું. આ સરળ નથી. મને કોઈનો સહારો જોઈએ. દુતીએ એશિયન ગેમ્સ ૨૦૧૮માં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરના ફાઇનલમાં બીજા સ્થાન પર રહી હતી.