મહુવામાં પૂ. મોરારિબાપુના હસ્તે કલા ગ્રથનું લોકાર્પણ

1480
bvn212018-2.jpg

મહુવા ખરક જ્ઞાતિ સમાજ દર્પણ ગ્રુપ દ્વારા આયોજિત કલા-સંસ્કૃતિમાં અણમોલ એવી ખમીરવંતી ખરક જ્ઞાતિની કલા-સંસ્કૃતિ પર ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા ડૉ.સુરેશ શેઠ લિખિત અને ગાયત્રી ત્રિવેદી અનુવાદિત નિર્માણ પામેલ ‘ખરક જ્ઞાતિની કલા-સંસ્કૃતિ’ કલાગ્રંથના લોકાર્પણ પ્રસંગે પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુએ પોતાની આગવી શૈલીમાં જણાવેલ કે આ કલાગ્રંથએ પુસ્તક નથી પણ ખરક સમાજનું મસ્તક છે. કોઈપણ સમાજ પાસે ધન, ધાન્ય, ધન્યતા, ધ્યાન અને ધ્રૃતિ હોવી જોઈએ, જે ખરક સમાજ પાસે છે. ખરક સમાજ ખેડૂત સમાજ છે અને ખેડૂત પાસે ધન નહીં પણ લક્ષ્મી હોય છે. સમાજ જીવનમાં દરેક વ્યક્તિ પાસે પોતાપણું હોવું જોઈએ તેમ જણાવી બાપુએ વડીલોએ સમજીને હટી જવું જોઈએ તેવી માર્મિક ટકોર પણ કરેલ. હું મોટો થયો નથી પણ તમે મને મોટો કર્યો છે તેમ જણાવી બાપુએ ખરક સમાજના કાર્યક્રમને બિરદાવેલ. ગુજરાતના નામાંકિત કલાવિદ્દો અને કલા વિવેચકોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં તાંડવ નૃત્ય, અગ્નિ ભવાઈ, અભિનય જેવા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પસ્તુત થયેલ. સાથોસાથ મહુવા ખરક જ્ઞાતિના ધો.૧ થી ૧૨ના તેજસ્વી તારલાઓને પણ સમાજ દર્પણ પારિતોષિકથી સન્માનવામાં આવેલ. કલાગ્રંથના લેખક ડૉ.સુરેશભાઈ શેઠ અને અનુવાદક ગાયત્રીબેન ત્રિવેદીને પૂજ્ય બાપુએ શાલથી સન્માનિત કરેલ. સમાજ દર્પણ ગ્રુપના સભ્યોએ મોરારી બાપુ તથા રાજેન્દ્રદાસ બાપુનું સ્વાગત ચંદન, લોબાન, ગૂગળ અર્પણ કરી કરેલ. 
મહુવા ખરક જ્ઞાતિ સમાજ વતી ટ્રસ્ટી જગદિશભાઈ ખોડિફાડે બાપુને શાલ અર્પણ કરી સ્વાગત કરેલ. ડૉ.પૂનમબેન વળિયાના અધ્યક્ષ સ્થાને અને ડૉ.બી.ટી. વળિયા, આર.એસ. વળિયા, સી.આર.કામળિયાના મુખ્ય મહેમાનપદે તથા અતિથિ વિશેષ દાતાશ્રીઓ અને અતિથિ વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં વિઠ્ઠલભાઈ કોરડિયા, ડૉ.બી.આર.ભુત તથા ડૉ.ભુપતભાઈ પટેલિયાએ પ્રાસંગિક પ્રવચન આપેલ. સમસ્ત ખરક સમાજના પ્રમુખ ભરતભાઈ ઠંઠ તથા સમસ્ત ખરક સમાજના અન્ય હોદ્દેદારોએ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપેલ. 
ડૉ.વિશ્વા ભુતે અદ્દ્‌ભૂત તાંડવ નૃત્ય કરેલ તેમજ સુંદર પ્રેરણાદાયી સ્પીચ આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજ દર્પણ ગ્રુપના લીડર રમેશભાઈ સેંતાએ કરેલ. સમાજ દર્પણ ગ્રુપના કેતનભાઈ કોરડિયા, દિનેશભાઈ કાપડિયા, મગનભાઈ કુચા, રવિન્દ્રભાઈ સેંતા, ગીરધરભાઈ વળિયાએ સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે રામ પાસ રહોના મહંત રાજેન્દ્રદાસ બાપુએ આશીર્વચન પાઠવેલ. કાર્યક્રમમાં મેઘાણી લોકકલા કેન્દ્રના નિયામક ડૉ.અંબાદાન રોહડિયા, ગુજરાત કલા પ્રતિષ્ઠાનના મહામંત્રી રમણીકભાઈ ઝાપડિયા, કલાગ્રંથના લેખક ડૉ.સુરેશભાઈ શેઠ, કલાગ્રંથના ગુજરાતી અનુવાદક ગાયત્રીબેન ત્રિવેદી તથા અન્ય કલાવિદ્દોએ વિશેષ હાજરી આપેલ. કાર્યક્રમમાં જ્ઞાતિજનોએ ઉત્સાહપૂર્વક વિશાળ સંખ્યામાં હાજરી આપેલ. અંતમાં આભારવિધિ દિનેશભાઈ કાપડિયાએ કરેલ.

Previous articleકે.આર.દોશી કોલેજ દ્વારા ત્રી. દિવસીય પ્રોગ્રામનું આયોજન
Next articleફરિ એકવાર લીંક સ્પાનનું આગમન