કેદારનાથમાં ૧૫ કલાક સુધી ધ્યાન યોગ કર્યા બાદ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. પહાડી રાજ્યમાં કેદારનાથમાં પૂજા પાઠ કર્યા બાદ મોદી આજે બદ્રીનાથ પહોંચ્યા હતા. મંદિરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. મોદીએ પણ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો. મુખ્ય વિસ્તારમાં ફર્યા હતા. બદ્રીનાથમાં ખાસ દર્શન કર્યા બાદ મોદીએ પુજારીઓ સાથે પણ વાતચીત કરી હતી. મોદી મંદિરના પ્રવેશ દ્વાર તરફ જતા નજરે પડ્યા હતા.
મોદી કેદારનાથ અને બદ્રીનાથમાં દર્શન કર્યા બાદ મોડી સાંજે દિલ્હી પરત ફર્યા હતા. તીવ્ર ગરમી વચ્ચે દેશભરમાં ઝંઝાવતી પ્રચાર કર્યા બાદ આજે મોદી દિલ્હી પરત ફર્યા હતા. કેદારનાથ અને બદ્રીનાથમાં બે દિવસનો સમય ગાળ્યો હતો. સૌથી પહેલા ગઇકાલે બે દિવસના પ્રવાસે કેદારનાથ પહોંચ્યા હતા જ્યાં કેદારનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ મંદિરથી આશરે ૩ કિલોમીટરના અંતરે સ્થિત વિસ્તારમાં ગુફા ખાતે પહોંચ્યા હતા જ્યાં ૧૫ કલાકથી પણ વધુ સમય સુધી ધ્યાન અને યોગની પ્રક્રિયા તેમની ચાલુ હતી. આગામી સપ્તાહમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા મોદી કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પહોંચ્યા હતા. મોદીએ આજે આ પહાડી રાજ્યની મુલાકાત લેવાની મંજુરી આપવા બદલ ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પેનલે તેમને મંજુરી આપી છે તે માટે તેઓ ખુશ છે. બીજી બાજુ ચૂંટણી પંચના વલણને લઇને રાજકીય પક્ષોએ જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી છે. તૃણમુલ કોંગ્રેસે આની સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. ચૂંટણી આચારસંહિતાના ભંગના છ મામલાઓમાં મોદીને ચૂંટણી પંચે ક્લીનચીટ આપી હતી.