લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન વેળા પણ બંગાળમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. આને લઇને ચૂંટણી પંચે નોંધ લીધી છે અને અહેવાલની માંગ કરી છે. ડાયમંડ હાર્બર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર નિલંજન રોયની કાર ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. છેલ્લા છ તબક્કાની જેમ જ આ તબક્કામાં પણ બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જાધવપુર અને બસીરહાટમાં ભાજપે ટીએમસી ઉપર મતદાનને લઇને આક્ષેપ કર્યા હતા. બીજી બાજુ કેન્દ્રીયમંત્રી નિર્મલા સીતારામને આજે ભારપૂર્વક કહ્યું હતું કે, પરિણામો પોતાની તરફેણમાં ન રહેવાની સ્થિતિમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નરસંહાર કરાવી શકે છે.
તેમણે કહ્યું હતું કે, બંગાળના મુખ્યમંત્રી શરૂઆતથી ધાકધમકી આપતા રહ્યા છે જેથી અમને ડર છે કે, આજે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટીએમસી દ્વારા નરસંહાર કરવામાં આવી શકે છે જેથી ચૂંટણી પંચે આચારસંહિતા અમલી રહે ત્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા દળોને સંબંધિત વિસ્તારોમાં રાખવા જોઇએ. લોકસભા ચૂંટણીમાં સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાનની શરૂઆત થયા બાદ ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી. જાધવપુરમાંથી ભાજપના ઉમેદવાર પ્રોફેસર અનુપમ હજારાએ ટીએમસી પર અનેક બુથ પર મતદાનમાં ગેરરીતિ કરવા અને ભાજપના કાર્યકરોને માર મારવાના આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું છે કે, ટીએમસીની મહિલા કાર્યકરો કપડાથી ચહેરાને ઢાંકીને બોગસ વોટિંગ કરતા પણ નજરે પડી હતી. ટીએમસીથી ભાજપમાં આવેલા અનુપમ હજારાએ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે, વ્યાપક ગેરરીતિ કરવામાં આવી રહી છે. ટીએમસીની મહિલા કાર્યકરો આ ગેરરીતિમાં દેખાઈ હતી. પોલિંગ સ્ટેશનમાં હોબાળો પણ થયો હતો. હાજરાએ કહ્યું છે કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના મંડળ અધ્યક્ષ અને ડ્રાઇવરને માર માર્યો છે. કાર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્રણ પોલિંગ એજન્ટોને બચાવી લેવામાં આવ્યા છે. ટીએમસીના ગુંડા બાવન બુથ ઉપર ગેરરીતિ કરી રહ્યા હતા. લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા ઇચ્છુક હતા પરંતુ તેમને મતદાન કરવાની તક આપવામાં આવી નહતી. બીજી બાજુ નિર્મલા સીતારામને કહ્યું છે કે, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ બંગાળમાં હિંસા જારી રહી શકે છે. પરિણામો ટીએમસીની તરફેણમાં નહીં આવવાની સ્થિતિમાં હિંસાનો દોર શરૂ થઇ શકે છે. મતદાન પૂર્ણ થાય બાદ ટીએમસીના આસામાજિક તત્વો હિંસા ઉપર ઉતરી શકે છે. મજબૂત સુરક્ષા વ્યવસ્થા સંવેદનશીલ વિસ્તારોમાં રાખવા માટે અપીલ કરવામાં આવી છે. બંગાળમાં પણ તમામ સાતેય તબક્કામાં મતદાન થયું છે અને અગાઉના તમામ છ તબક્કામાં હિંસા થયા બાદ આજે સાતમાં તબક્કામાં પણ મતદાન શરૂ થયા બાદ ઘણી જગ્યાઓએ હિંસા થઇ હતી. ચૂંટણી પંચે આ હિંસાની ગંભીર નોંધ લીધી છે. દરમિયાન બારકપોર મતવિસ્તારમાં ભાટપારા ખાતે ક્રૂડ બોંબ ઝીંકવામાં આવ્યા હતા જેમાં કેટલાક લોકોને ઇજા થઇ હતી. આ બનાવના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા અહેવાલની માંગ કરવામાં આવી છે. આચારસંહિતા સુધી કેન્દ્રીય દળોને તૈનાત રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.