લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને તમામ સીટો મળશે તેવા દાવા ખોટા દેખાઈ રહ્યા છે. ટાઈમ્સનાઉ-વીએમઆરના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટી તમામ સીટો હાંસલ કરવામાં અસમર્થ રહેશે. ગુજરાતમાં ૨૬ પૈકી ભાજપને ૨૩ની આસપાસ મળી શકે છે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો મળી શકે છે. જો કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્ઝિટ પોલના તારણ આવ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી તમામ ૨૬ સીટો જીતશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે. તેમની લોકપ્રિયતાના કારણે જ ભારતીય જનતા પાર્ટી જોરદાર સપાટો બોલવવા જઈ રહી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યના લોકોએ નરેન્દ્ર મોદીની તરફેણમાં ઉંચુ મતદાન કર્યું છે. તેમની વિકાસ યોજનાઓને પસંદ કરી છે. ફરી એકવાર મોદી સરકારને લઇને મતદારો પહેલાથી જ તૈયાર હતા. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને પ્રમાણમાં ઓછુ મતદાન રહ્યું હતું છતાં મતદાન બાદ જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ પણ ગુજરાતમાં શાનદાર દેખાવ કરવાની આશા વ્યક્ત કરી હતી. કારણ કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વાપસી કરીને ભાજપ સામે મોટી મુશ્કેલી ઉભી કરી હતી. કોંગ્રેસના શાનદાર દેખાવના લીધે જ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ૯૯ સીટ જીતી શકી હતી.
જેથી લોકસભાની ચૂંટણીમાં પણ તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા હતી. જો કે, કોંગ્રેસ પાર્ટીના લોકો માની રહ્યા છે કે, કોંગ્રેસ સારી ટક્કર આપશે.