શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પંમ્પીંગ સ્ટેશનમાં ગટર સાફ કરવા ઉતરેલા સફાઇ કામદારો પૈકી ચાર સફાઇ કામદારો ઝેરી ગેસ ગળતર દરમ્યાન ગૂંગળાઇ જવાના કારણે મોતને ભેટતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. એકબાજુ, મૃતક સફાઇ કામદારોના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હતુ તો, બીજીબાજુ, સફાઇ કામદારવર્ગમાં ફરી એકવાર ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. જે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા આ સફાઇ કામદારોને પૂરતા જીવનરક્ષક સાધનો વિના ગટરમાં સફાઇ કામ માટે ઉતારાયા હતા તે કોન્ટ્રાકટર સહિતના જવાબદારો સામે પગલાં લેવાની સફાઇ કામદારોના પરિવારજનો તરફથી ઉગ્ર માંગણી કરાઇ હતી. વિવાદને લઇ અમ્યુકો તંત્રના સત્તાધીશોએ પણ યોગ્ય તપાસ અને ખરાઇ બાદ આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરભરમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ગટરો, મેનહોલ અને કેચપીટની સફાઇ કામગીરી ચાલી રહી છે. ગઇકાલે રાત્રે પણ શહેરના ઓઢવ વિસ્તારમાં અર્બુદા પમ્પીંગ સ્ટેશનમાં ગટર સાફ કરવા માટે કેટલાક સફાઇ કામદારો અંદર ઉતર્યા હતા. જો કે, ગટરની સફાઇ કામગીરી દરમ્યાન ગંભીર ગેસ ગળતર થતાં ચાર સફાઇ કામદારો ગૂંગળાઇ જવાના કારણે એક પછી એક મોતને ભેટયા હતા. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ચારેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
ઓઢવ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતક સફાઇ કામદારોમાં રમેશ ચૌહાણ (ઉંમર, ૩૮ વર્ષ, ઓઢવ), લાલસિંહ હુકમસિંહ મારવાડી(ઉંમર, ૨૬ વર્ષ, રાજસ્થાન), સુરજિત ( ઉંમર, ૨૫ વર્ષ, યુપી) અને સુનિલ(ઉંમર, ૨૫ વર્ષ, યુપી)નો સમાવેશ થાય છે. દરમ્યાન એકસાથે ચાર સફાઇ કામદારોના મોતની ઘટનાને લઇ સફાઇ કામદાર આલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી. કારણ કે, અવારનવાર ગટરના સફાઇ કામ દરમ્યાન આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આ બનાવમાં જવાબદાર ખાનગી કોન્ટ્રાકટર વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે સફાઇ કર્મીઓએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. વિવાદની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ પણ સમગ્ર પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારી હતી. સફાઈ કર્મચારીઓના મોતના મુદ્દે કોર્પોરેશનની ટિકા થઇ છે.