વેદમાતા ગાયત્રી સેવા સમિતિના આયોજન તળે ગાયત્રી મંદિર – ઘુમલી ખાતે યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથા શનિવારે વિરામ પામેલ છે.
ગાયત્રી મંદિર સંચાલિકા વડા શોભનાબેન જોષી માતાજીના નેતૃત્વ સાથે વેદમાતા ગાયત્રી સેવા સમિતિના કાર્યકર્તાઓના આયોજન તળે શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ ગઈ, જેમાં ગુરુ આશ્રમ -બગદાણાના મનજીબાપાનું માર્ગદર્શન રહ્યું. આ સાથે નાની બોરુના માડીનું સંકલન રહ્યું. ગાયત્રી મંદિર ખાતે શનિવારે ભાવ ભક્તિ સાથે આ કથા વિરામ પામી.
કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગોના વર્ણન વક્તા વિશ્વાનંદમયીદેવી ( શિવકુંજ આશ્રમ – જાળિયા ) દ્વારા ગીત સંગીત અને ભાવ સાથે કરાયા. તેમને કહ્યું કે કથા અને સંતોનો સંગ આપણા અજ્ઞાનનો – અંધારાનો નાશ કરે છે. ગીતસંગીત વૃંદમાં જીતુબાપુ ગોંડલિયા, રોહન ભટ્ટી, ગોપાલ સાવલિયા, શ્યામલદાસ હરિયાણી, ગૌતમભાઈ ગોંડલિયા, નટુભાઈ પરમાર, જયદીપગીરિ ગોસ્વામી રહ્યા હતા. કથામાં આવતા વિવિધ પ્રસંગોની ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી.
શોભનાબેન માતાજીના સાધના સ્થાનમાં સંતો, મહંતો અને આગેવાનો પણ કથામાં જોડાયા હતા. ભાવિક શ્રોતાઓ માટે ભોજન પ્રસાદની પંગતમાં બેસાડી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રસોડામાં ગુરુ આશ્રમ બગદાણાના સ્વયંસેવકોની ટુકડીએ સેવા બજાવી હતી. આ કથામાં લોકડાયરો, સંતવાણી, કાં-ગોપી નૃત્ય, રક્તદાન શિબિર, દંતરોગ યજ્ઞ વગેરે આયોજનોનો પણ લાભ મળ્યો.કથા વિરામ સાથે શનિવારે અહીં ૐ કારેશ્વવર મહાદેવના પાટોત્સવ પ્રસંગે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો.