કુંભારવાડા વિકટર ખાતે ભંગારના ધંધાર્થીની ગત મોડી રાત્રીનાં ૧૮ થી ૨૩ વર્ષની ઉંમરના પાંચ યુવાનોએ અપહરણ કરી લૂંટ ચલાવેલ અને સમય સુચકતાથી ભાગી નીકળેલ. ધંધાર્થીએ પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે અપહરણ સાથે લૂંટ કરનાર તમામ લવરમુછીયા યુવાનોની ગણતરીની કલાકોમાં પોલીસે ધરપકડ કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ગઇ રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે આ કામના ફરિયાદી સાદીકભાઇ યુનુસભાઇ હડપા રહેવાસી ભીલવાડા સર્કલવાળા પોતાનો કુંભારવાડા વિકટર ખારમાં આવેલ ડેલેથી તાંબા પીતળનો માલ ભરી ટેમ્પામાં વજન કરાવવા માટે પોતાનું મોટર સાયકલ લઇને પાછળ જતા હતા ત્યારે રસ્તામાં ત્રણ માણસોએ તેને રોકી તેનું તેનાજ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નં.જીજે૦૪-સીએન-૬૭૧૭ માં આંખ ઉપર રૂમાલ બાંધી અપહરણ કરી પ્રથમ નારી રોડ ઉપર લઇ ગયેલ અને ત્યા ફરિયાદીને કહેલ કે, તારે મારી બેન સાથે સંબંધ છે તેમ કહી ધમકાવી મોબાઇલ ફોનમાં ફરિયાદી પાસે કબુલાત કરતો વિડોયો ઉતારી બાદમાં ફરિયાદીને છોડી મુકવા રૂપિયા ૧૫ લાખની માંગણી કરેલ અને ફરિયાદી મુક્ત થવા રૂપિયા ૭ લાખ આપવા તૈયાર થયેલ તે વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી સેમસંગ મોબાઇલ ફોન-૧ કિ.રૂ઼. ૭૦૦૦/- તથા રોકડ રૂપિયા ૮૨૦૦/- લુંટી લીધેલ અને બાકીના પૈસા ઘરેથી આપવાનું કહેતા આરોપીઓ ફરિયાદીને મો.સા.માં વચ્ચે બેસાડી તેના ઘરે લઇ જતા હતા અને ફરિયાદી રસ્તામાં ક્રેસન્ટ સર્કલ પાસે મોકો જોય મો.સા.માંથી ઉતરી ભાગી ગયેલ અને આરોપીઓ ફરિયાદીનું મો.સા. લઇ નાશી ગયેલ જે બાબતે ફરિયાદીએ બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ હકિકત જાહેર કરેલ. ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગરના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી./એલ.સી.બી.ને તથા ડીવીઝન પોલીસને સુચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી./એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની રાહબરી નીચે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ બાબતે માહિતી મેળવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ સીરાઝભાઇ સલીમભાઇ ચાંદ ઉ.વ.૨૦, અનવરભાઇ જાકીરભાઇ મીઠાણી ઉ.વ.૨૨, આકાશભાઇ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૩, અશોક ઉર્ફે કડી ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૦, સાગરભાઇ ઉર્ફે બન્ના કેશુભાઇ મકવાણા ઉ.વ.૧૮ રહે. તમામ કુંભારવાડા વાળાઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ તથા અપહરણ તથા લુંટના ગુન્હામાં વાપરેલ મોટર સાયકલો સાથે ઝડપી પાડેલ છે.
આમ એસ.ઓ.જી. પોલીસે ગઇ રાત્રીના સમયે થયેલ અપહરણ લુંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. તપાસ દરમ્યાન આ કામના ફરિયાદીના પરસ્ત્રી સાથેના આડા સંબંધોનો લાભ ઉઠાવી બ્લેક મેઇલ કરી પૈસા કઢાવવાના હેતુસર અપહરણ કરેલાનું જણાયેલ છે. આરોપીઓની હાલ પુછપરછ ચાલુ છે. આરોપીઓ બાબતે માહિતી મેળવવા ભાવનગર શહેરની તીસરી આંખ સમાન નેત્ર કમાન કંટ્રોલ રૂમ ખુબજ ઉપયોગી થયેલ છે.