સ્પેનના રાફેલ નડાલે વર્લ્ડ નંબર ૧ નોવાક જોકોવિચને ૬-૦, ૪-૬, ૬-૧થી હરાવીને ઇટાલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો. તેણે રેકોર્ડ ૯મી વાર આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. જોકોવિચ સામેની ૫૪મી મેચમાં નડાલે ૨૬મી વાર જીતનો સ્વાદ ચાખ્યો હતો. આ નડાલની ૫૦મી અને જોકોવિચની ૪૯મી માસ્ટર્સ ટાઇટલ ફાઇનલ હતી. નડાલે પોતાના કરિયરમાં ૩૪ વાર માસ્ટર્સ ટાઇટલ જીત્યો છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. બીજી તરફ મહિલા સિંગલ્સમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ સ્પર્ધા જીતી હતી. તે બ્રિટેનની જોહાના કોંટાને ૬-૩, ૬-૪થી હરાવીને પહેલી વાર ચેમ્પિયન બની હતી. આ તેના કરિયરનું ૧૩મુ ટાઇટલ છે.