ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેર વચ્ચોવચ આવેલ ઐતિહાસિક ધરોહર પિલગાર્ડન અને ગંગાજળીયા તળાવના નવનિર્માણને લઈને પ્રાણી-પક્ષી જગત સાથે પર્યાવરણનું સંતુલન પ્રભાવીત થઈ રહ્યુ હોવાનો સુર પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે.
સ્વાર્થ વૃત્તીના માનવો મહામુલી પ્રકૃતિની અવગણના કરી કુદરતની ખુબસુરત તસ્વીર બદ્સુરત કરવાની હિન ચેષ્ઠા કરી રહ્યા હોવાની વાત શહેર સ્થિત પ્રાકૃતિક સંરક્ષણ સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી હોવાની વિગતો જાણવા મળે છે આ અંગે પર્યાવરણ પ્રત્યે અનહદ લગાવ ધરાવતા અને પ્રાણી પક્ષીઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરવાની ઉમદા નેમ ધરાવતા નિતીન ડોડીયાના જણાવ્યા અનુસાર વર્ષોથી ગંગાજળીયા તળાવ, મહિલાબાગ, પિલગાર્ડન જશોનાથ સહિતની જગ્યા ભાવેણાથી હજારો કિલોમીટર દુરનુ વતન ધરાવતા પ્રવાસીપક્ષીઓને આકર્ષિત કરતા સ્થાનો રહ્યા છે અત્રેની ભૌગિલીક સ્થિતી, ઉચીત આબોહવા યોગ્ય ખોરાક સરળતાથી પ્રાપ્ત થતો હોવાના કારણો આવા પક્ષીઓને ભાવેણુ પોતીકુ લાગે છે અને કેટલાક દુર્લભ કુળના ગગન વિહારીઓએ ભાવનગરમાં જ કાયમી વસવાટ શરૂ કર્યો છે.
દર વર્ષે મહિલાબાગ, મોતીબાગ, પિલગાર્ડન, જશોનાથ સહિતની જગ્યાઓમાં આવેલ વૃક્ષો પર અનેક પ્રકારના પક્ષીઓ માળા બાંધી બચ્ચાઓ ઉછેર છે. ગંગાજળીયા તળાવ તથા નવાબંદરની ખાડીમાંથી ખોરાક પણ સારા પ્રમાણમાં મળી રહે છે આવી સુંદર સ્થિતીની કોઈને બુરી નજર લાગી હોય તેમ મહા.પા.એ. પીલગાર્ડન રીનોવેશનના નામે કરોડો રૂપીયાનો ધુમાડો કરી વૃક્ષોના સ્થાને લાઈટોના થાંભલા ઉભા કર્યા પરિણામે રાત્રીના સમયે પણ પ્રકાશનો ઝગમગાટ હૌય અત્રે પક્ષીઓ રાતવાસો કે માળા બાંધી શકતા નથી. તેમજ અહી વૃક્ષોનું પ્રમાણ પણ ઘટ્યુ છે. એ જ રીતે ગંગાજળીયા તળાવને પીકનિક પોઈન્ટ તરીકે વિકસાવવાના નામે ઘણા વર્ષોથી પાણીથી ભરેલુ રહેતુ તળાવ ખાલી કરવામાં આવ્યું હાલ યાયાવરપક્ષીનો સંવનકાળ ચાલી રહ્યો હોય પક્ષીઓ માળા ખાલી થતા ખોરાક માટેનો મહત્વ પૂર્ણ સ્ત્રોત ગુમાવવાની નોબત આવી છે. પિલગાર્ડન તથા મોતીબાગમાં આ સિઝનમાં જુજ માત્રામાં પક્ષીઓએ માળા બાંધ્યા છે વર્ષોથી એક જ સ્થળે શિયાળો ગાળવા આવતા ખાસ કુળના પંખીઓ માટે તળાવનું તથા ગાર્ડનનું નવીનીકરણ મુશ્કેલીનું મુખ્ય કારણ બન્યુ છે તંત્રએ પ્રકૃતિને ધ્યાને લીધા વિના અણઘણ રીતે વિકાસકાર્ય શરૂ કર્યુ હોય જેને લઈને પર્યાવરણ સંતુલન ખોરવાઈ જવાની ભીતી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૌથી મોટો યક્ષ સવાલ તળાવ ભરવા પાણી ક્યાથી ?
રાજ્યની જીવાદોરી એવા સરદાર સરોવરડેમમાં પણ તળીયુ દેખાઈ રહ્યુ છે સમગ્ર રાજ્યપર ઘેરૂ જળ સંકટ તોળાઈ રહ્યુ છે. એવા સમયે રાજ્યના તમામ શહેરોમાં પાણીકાપ અનિવાર્ય બનશે ત્યારે સવાલએ થાય છે કે ગંગાજળીયા તલાવને રી.રીનોવેટ કરવા ખાલી કરાયુ છે. પરંતુ નવીનીકરણ પૂર્ણ થયે પુનઃ તળાવ ભરવા માટે પાણી ક્યાથી લાવીશુ લોકો તથા પશુઓને પણ ભર શિયાળે પિવાના પાણીના ફાં ફા છે ત્યારે આ જળાશય નુ શુ ? સહિતના સવાલો લોકો કરી રહ્યા છે.