વીજ ચોરી કરવાના કેસમાં સીટી સિવિલ સેશન્સ કોર્ટેનો મહત્વનો ચુકાદો આપ્યો છે. ઓઢવ ખાતેના વીજચોરીના કેસમાં કોર્ટે વીજ ચોરી કરતા આરોપી મહેન્દ્ર પટેલને ૩ વર્ષ જેલની સજા,અને ૬ લાખથી વધુનો દંડ ફટકાર્યો છે, અને જો આરોપી દંડ ન ભરે તો વધુ તેણે ૧ વર્ષ સખત કેદની સજા ભોગવવાની રહેશે.
કોર્ટે આ ચુકાદો આપતા કહ્યું કે, ગેરકાયદેસર વીજ જોડાણ કરી વીજ ચોરી કરવી એ ગંભીર બાબત છે, અને સમાજમાં દાખલો બેસાડતા આ જજમેન્ટ સમયે કોર્ટે એમ પણ કહ્યુ કે, ગેરકાયદેસર વીજ ચોરી થતી અટકાવવા આવી સજા જ યોગ્ય છે.
આ કેસની જો વાત કરીએ તો, વર્ષ ૨૦૦૬માં ઓઢવના રાજ રત્ન સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પટેલ સામે વીજ કંપનીએ ચોરીનો કેસ કર્યો હતો. આરોપીએ બોરનુ કનેક્શન લીધુ હતુ અને ત્યારબાદ તેમાંથી ગેરકાયદેસર ટેન્કરો ભરવાનુ કામ ચાલતુ હતું. આ ઉપરાંત ૩ લાખ જેટલુ વીજબીલ તેઓએ ન ભરતા ત્યાં વીજ કનેક્શન કાપી લેવાયુ હતુ. અને ત્યારબાદ આરોપીએ કપાયેલા કનેક્શનમાં ગેરકાયદેસર જોઈન્ટ મારી વીજળીની મોટે પાયે ચોરી કરી હતી.
વીજ કંપનીના વકીલનુ કહેવુ હતુ કે, રોજના ૧૯ જેટલા એસી ચાલી શકે તેટલી રોજની વીજચોરી આરોપી દ્વારા કરવામા આવતી હતી. આજે કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવુ જજમેન્ટ આપતા વીજચોરી કરતા ઈસમો સામે લાલબત્તી સમાન ચુકાદો સામે આવ્યો છે.