પાટીદાર અનામત આંદોલન ચલાવનાર આંદોલનકારીઓ રાજકીય પક્ષોમાં ભળી જતા છેવટે આંદોલનને પૂરું થયું હોવાનું જાહેર કરાયું હતું. હવે મહેસાણા જીઆઈડીસીના ફેસ-૧માં સરદાર પટેલ સેવા દળ (એસપીજી)એ રાજ્યકક્ષાનો સ્નેહમિલન સમારોહ યોજ્યો હતો. તેમાં અધ્યક્ષ લાલજી પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર સામે ફરી એકવાર મોરચો માંડવા જાહેરાત કરી હતી.પાટીદાર અનામત આંદોલન દરમિયાનના બાકીના વિવિધ મુદ્દાઓની સમારોહમાં ચર્ચા થઈ હતી. જેમાં જેલમાં બંધ આંદોલન-કારીઓને છોડાવવા સહિતના મુદ્દે લડતની તૈયારીઓ માટે કવાયત થઈ હતી.
અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અનામત દરમિયાન ઉદભવેલા તમામ મુદ્દાઓ માટે એસપીજીએ પહેલા મહેસાણાથી શરૂઆત કરી હતી. ફરી એજ જોમ સાથે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દાઓ સાથે ગુજરાતમાં આગળ વધીશું. મારા વ્યક્તિગત પ્રશ્નો નથી સમગ્ર સમાજના છે. તેની ચિનગારી હજુ પણ દરેક પાટીદારના દિલમાં છે. આવનાર સમયમાં માગણીઓ પૂરી નહીં થાય ત્યા સુધી લડવાના અમે તમામ હોદ્દેદારો મા ઉમા-ખોડલના સોંગદ લેવાની છીએ. લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થાય અને નવી સરકાર બેસે એના થોડા દિવસોમાં અમે કાર્યક્રમ જાહેર કરીશું.
આંદોલન દરમિયાન મોતને ભેટેલા પાટીદાર યુવાનો અને તાજેતરમાં જ અકસ્માતમાં મોત થયું હતું તેવા ડો. તુષાર પટેલને સમંલનમાં હાજર પાટીદારોએ મોબાઈલ ટોર્ચ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.