પુન્દ્રાસણમાં ટાઉનશિપના નામે ૧૨૦ કરોડનું કૌભાંડ

532

પુન્દ્રાસણ ગામની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપના નામે ૧૨૦૦ સભાસદોને પ્લોટ આપવાનું કહીને રૂપિયા ૯ થી ૧૧ લાખ લેવાયા હતા. માર્ચ-૨૦૧૧માં ટાઉનશીપની સ્કિમ શરૂ કર્યા બાદ સભાસદોને પ્લોટ ન ફાળવીને રૂપિયા ૧૨૦ કરોડનું કૌભાંડ આચરાયાની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે અશોકભાઇ પટેલ અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નગરના સેક્ટર-૨૦, પ્લોટનં.૨૮૮/૪માં રહેતા અને જીઇબીમાં સુપ્રિન્ટેન્ડીંગની પોસ્ટ ઉપરથી નિવૃત્ત થયેલા અજીતસિંહ નાગજીભાઇ ભટ્ટીએ ફરિયાદ આપી છે કે માર્ચ-૨૦૧૧માં કોબા રોડ પર ૯૬, ઉર્જાનગર સોસાયટીમાં રહેતા કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ અને અન્ય પાંચ શખસોએ ભાગીદારીમાં જિલ્લાના પુન્દ્રાસણ ગામની સીમમાં વિદ્યુતનગર ટાઉનશીપ સ્કીમના નામે સભાસદો બનાવ્યા હતા.

સભાસદ નોંધણી પેટે રૂપિયા ૧૧ હજાર ડિપોઝીટ લીધા બાદ જેટલા વારનો પ્લોટ ખરીદવાનો હોય તે મુજબ રૂપિયા ૯ થી ૧૧ લાખની રકમ ભરવાની હતી. પ્લોટની રકમ ભરપાઇ થઇ જાય પછી પાંચ વર્ષની અંદર પ્લોટનો કબજો આપવાની બાંહેધરી આપી હતી. ટાઉનશીપમાં પ્લોટ લેવા માટે ૧૨૦૦ જેટલા સભ્યોએ રૂપિયા ૯ થી ૧૧ લાખ લેખે કુલ રૂપિયા ૧૨૦ કરોડ આપ્યા હતા. પરંતુ નવ વર્ષ થવા છતાં સભાસદોને પ્લોટ નહી આપ્યાનો આક્ષેપ કર્યો છે. પેથાપુર પોલીસે અશોક ભવાનભાઇ પટેલ અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હોવાનું પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.જી.એનુરકારે જણાવ્યું છે.

કૌભાંડમાં સંડોવાયેલા છ શખસો પૈકી અશોકભાઇ પટેલની શનિવાર રાત્રે ધરપકડ કરાઇ હતી, તેને કોર્ટમાં રજુ કરતા તારીખ ૨૭મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે અન્ય શખસ પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયાની રવિવારે ધરપકડ કરી હોવાથી તેના રિમાન્ડ માટે સોમવારે કોર્ટમાં રજુ કરાશે.

આ ટાઉનશીપ નામે કૌભાંડ કરનાર શખસોમાં કેશરીસિંહ શીવસિંહ ચૌહાણ, સરોપકુંવરબા ઉર્ફે સ્વરૂપબા રૂઘુનાથસિંહ કુંપાવત, કુલદિપસિંહ કેશરીસિંહ ચૌહાણ તમામ રહે ૯૬, ઉર્જાનગર સોસાયટી, રાંદેસણ, ગાંધીનગર, અશોકભાઇ ભવાનભાઇ પટેલ, કેયુર અશોકભાઇ પટેલ રહે. પ્લોટ ૪૦૩, સેક્ટર-૮-બી, ગાંધીનગર અને પ્રવિણભાઇ ભીખાભાઇ પાનસરીયા રહે.૪, આરાધના સોસાયટી, ઘુમારોડ, બોપલ, અમદાવાદનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય બાબત છે કે તંત્રએ આ પ્રકારની પ્રવૃતીઓ પર રોકથામ લગાવવા સજાગતા દાખવી છે.

કેશરીસિંહે પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં કેશરીસિંહ તથા તેમની પત્ની સરોપકુંવરબા રૂઘનાથસિંહ કુંપાવત તથા કુલદીપસિંહ કેશરીસિંહ ચૌહાણ, કેયુર અશોકભાઇ પટેલના નામે જુદા જુદા સર્વે નંબરે જમીન ખરીદી હતી. જેમાંથી કુલ ૧૧૦ સર્વે નંબરોવાળીન જમીન પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં ખરીદી હતી. જેમાં ૪૩ વેચાણ દસ્તાવેજો, ૨૭ એમઓયુ, ૧૪ બાનાખત, ૧૮ સંમતી પત્રકો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

સ્કીમમાં ૯૦૦૦ સભાસદો જોડાયેલા હતા. પરંતુ એક વર્ષ સુધી સ્કીમમાં કોઇ જ ડેવલપમેન્ટ ન થતાં આશરે ૭૦૦૦ જેટલા સભાસદોએ આગળની રકમ ભરપાઇ કરી નહી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે

Previous articleઘ-૪ના સ્વર્ણિમ પાર્ક પાસે ર્પાકિંગની સમસ્યા વકરી
Next articleકમલનાથ સરકાર લઘુમતિમાં છે : ખાસ સત્ર બોલાવવા માંગ