હાઇટેક અને કોમ્પ્યુટરના આ જમાનામાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ અને થ્રેટ્સનો ખતરો ગંભીર અને ચિંતાજનકહદે વધી રહ્યો છે ત્યારે હવે પોલીસ અને માત્ર સુરક્ષા એજન્સીઓના માણસો કે અધિકારી-કર્મચારીઓએ જ નહી પરંતુ પ્રત્યેક નાગરિકે સાયબર સીકયોરીટી અંગેની પૂરતી જાણકારી અને જાગૃતિ કેળવવા જ પડશે અન્યથા તમારી સહેજ અજાણતા કે અજાગૃતિના ખૂબ જ ગંભીર અને માઠા પરિણામો ભોગવવા પડી શકે છે. સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં સાયબર ક્રાઇમ અને થ્રેટસના કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે. માત્ર ભારતની વાત કરીએ તો, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમના કેસોમાં ૩૦૦ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં સાયબર ક્રાઇમના ત્રણ લાખથી વધુ કેસો નોંધાવા પામ્યા છે, જે ૨૦૧૧માં માત્ર ૧૩ હજાર જેટલા હતા એમ અત્રે સાયબર સીકયોરીટી નિષ્ણાતો અને તજજ્ઞોએ જણાવ્યું હતું. રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા આજે મીડિયાપર્સન્સ માટે ખાસ પ્રકારે સાયબર સીકયોરીટી સહિતના વિષય પર વિશેષ સેમનારનું આયોજન કરવામાં આવ્યું હતું, રક્ષાશકિત યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ વિકાસ સહાય, ડિરેકટર કે.વી.રવિકુમાર, ઇસીએસ સાયબર સીકયોરીટી કંપનીના સીઇઓ વિજય મંડોરા, સાયબર નિષ્ણાત રાકેશ અને દુબઇના સાયબર નિષ્ણાત યાસીર એહમદ જેવા મહાનુભાવોએ જણાવ્યું હતું. આ સાયબર નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે, આજના હાઇટેક અને કોમ્પ્યુટર-સ્માર્ટ ફોનના જમાનામાં સાયબર થ્રેટ્સ એ કોઇ સામાન્ય થ્રેટ્સ નથી પરંતુ હવે તે ગ્લોબલ થ્રેટ્સ બની ગઇ છે. તમે કોઇપણ કોમ્પ્યુટર કે લેપટોપ યુઝ કરતા હોવ પરંતુ જો તમે જરૂરી સાવધાની ના રાખી અને સાયબર થ્રેટ્સ વિશે લાપરવાહ રહ્યા તો, નિશંકપણે દુનિયાનું કોઇપણ કોમ્પ્યુટર-લેપટોપ હેક થઇ શકે છે. સાયબર એટેક અને ક્રાઇમને પગલે ભૂતકાળમાં પણ અમેરિકા, જાપાન, ફ્રાન્સ, જર્મની સહિતના મોટા મોટા દેશો પણ ભોગ બન્યા છે અને તેના માઠા પરિણામો પણ તેઓ ભોગવી ચૂકયા છે. રેન્સમ વાયરસ થોડા સમય પહેલાનો જ તાજો દાખલો છે કે જેનાથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો. માત્ર કોમ્પ્યુટર-લેપટોપ જ નહી પરંતુ હેકર્સ અને દુનિયાના એવા ભેજાબાજો છે કે, જેઓ તમારા પ્રિન્ટરને વાઇફાઇથી હેક કરી તમને ભોગ બનાવી શકે છે. એક સાયબર એટેક જો કારગત નીવડે તો, કોઇ દેશ વીસ વર્ષ જેટલો પાછળ પડી જાય એટલી હદે ગંભીર અને ભરપાઇ ના થઇ શકે તે હદે નુકસાન પહોંચે છે. સૌથી વધુ સાયબર થ્રેટ્સ બેંકીંગ અને ફાયનાન્સીયલ મેટર્સને લગતા નોંધાય છે. આજે લોકો ઓનલાઇન બેંકીંગ, ટ્રાન્ઝેકશન, એટીએમ, ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન વર્ક કરતા થયા છે ત્યારે તેવા સમયે દરેક વ્યકિતએ પોતાની સાયબર સીકયોરીટી વધારવી જોઇએ અને તેને લઇ સતત અપગ્રેડ થતા રહેવું જોઇએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લગભગ ૯૦ ટકા લોકોને તો ખબર પણ નથી પડતી કે, તેઓ સાયબર એટેક કે બ્રીચનો ભોગ બન્યા છે. દુનિયામાં એવા ભેજાબાજ હેકર્સ અને સાયબર ક્રિમીનલ પડયા છે કે જેઓને તમારા પાસવર્ડની પણ જરૂર નથી માત્ર યુઝર નેમ પરથી જ તમારા ઓનલાઇન બેંક એકાઉન્ટમાં ઘૂસી જઇ તમારા રૂપિયા લઇ જાય.
સાયબર બ્રીચ કરતાં હેકર્સને માત્ર બે જ સેકન્ડ લાગે છે બસ. સાયબર એટેક અને ક્રાઇમને પગલે રેવન્યુ લોસ, ઇન્ફર્મેશન લોસ સહિતની પારાવાર નુકસાનીનો ભોગ બનવું પડે છે. આ સંજોગોમાં આજના જમાનામાં દરેક વ્યકિતએ સાયબર સીકયોટીરીટ પરત્વે જાગૃતતા કેળવવી જોઇએ અને ઓનલાઇન ટ્રાન્ઝેકશન, બેન્કીંગ વ્યવહારો, ડિજિટલ વ્યવહારો, ઓનલાઇન વર્ક સહિતના કામો કરતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી જોઇએ. રક્ષાશકિત યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ વિકાસ સહાય, ડિરેકટર કે.વી.રવિકુમાર, ઇસીએસ સાયબર સીકયોરીટી કંપનીના સીઇઓ વિજય મંડોરા, સાયબર નિષ્ણાત રાકેશ અને દુબઇના સાયબર નિષ્ણાત યાસીર એહમદ સહિતના મહાનુભાવો દ્વારા આ વર્કશોપમાં કોમ્પ્યુટર એથીક્સ, સાયબર ક્રાઇમ, ઓનલાઇન વખતે જરૂરી સુરક્ષા, વાઇફાઇ સેફ્ટી અને વિવિધ સાયબર સીકયોરીટી સહિતના મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ખૂબ જ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા.