દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો માટે વધુ એક ઝટકો લાગ્યો છે. ખેડૂતોને ૧૦ કલાક નહીં ૮ કલાક જ વીજળી મળશે. જેના કારણે ખેડૂતોમાં પણ રોષ ભભૂક્યો છે. જાણવા મળ્યું છે કે ગુજરાત ખેડૂત સમાજનુ પ્રતિનીધીમંડળ દક્ષિણ ગુજરાત વિજકંપનીના એમડીને મળીને દસ કલાક વિજળી આપવા રજૂઆત કરશે.
ચર્ચા એવી થઇ રહી છે કે લોકસભાની ચૂંટણી સમયે અને પહેલા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવામાં આવી હતી. પરંતુ હવે તેમનાં વીજળી વાપરવાનાં બે કલાક લઇ લેવામાં આવ્યાં છે. આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે જેના કારણે ડેમોમાં પાણી પણ નથી જેના કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ કરાયું છે. જે ખેડૂતો વીજળીથી પાણી ખેંચીને ટ્યુબવેલ અને બોરવેલથી ખેતી કરી રહ્યાં છે તેમને પાણી લેવા માટે વીજળી ઓછી પડશે.
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, એપ્રિલના બીજા સપ્તાહથી ખેડૂતોને દસેક કલાક વિજળી મળી રહી હતી પણ ચૂંટણી પૂરી થયાં બાદ અપુરતી વિજળી આપવાનુ શરુ કરાયુ છે. ૧૧મી મેથી ખેડૂતોને આઠ કલાક વિજળી અપાઇ રહી છે. ખેડૂતોને ૨ કલાક ઓછી વિજળી અપાઇ રહી છે.