વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકબાજુ, બોગસ શેલ કંપનીઓના નામે કરોડોના ટ્રાન્ઝેકશન કરનારી કંપનીઓ પર તવાઇ બોલાવાઇ રહી છે ત્યારે અમદાવાદની ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી, તેના ભાઇ નાગેશ ભંડારી અને તેના મળતીયાઓ દ્વારા ૮૫થી વધુ બોગસ શેલ કંપનીઓ ઉભી કરી, ખોટી રીતે લેટર ઓફ ક્રેડિટ ઓપન કરી(ખોલી) અને ગેરકાયદે શેર્સ ટ્રાન્ઝેકશન કરી રૂ.૧૭૫ કરોડથી પણ વધુના ગોટાળા અને કૌભાંડ આચરવાના પ્રકરણમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ(એનસીએલટી)માં ૧૯૦૦ પાનાની બહુ મહત્વની પિટિશન દાખલ થઇ છે. ખુદ કંપનીના જ ડાયેરકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા દાખલ કરાયેલી પિટિશનની સુનાવણીના અંતે કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ એનસીએલટી દ્વારા સમગ્ર કેસમાં ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના એમડી શૈલેષ ભંડારી, તેના ભાઇ નાગેશ ભંડારી, સેબી, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સહિતના ૧૬ પક્ષકારોને નોટિસ જારી કરાઇ છે.
વધુમાં, એનસીએલટીએ બે સપ્તાહમાં તેમના વાંધાઓ ફાઇલ કરી દેવા અને તેની નકલ અરજદારપને પણ પૂરી પાડવા પ્રતિવાદી પક્ષકારોને તાકીદ કરી છે. એનસીએલટી દ્વારા કેસની વધુ સુનાવણી જૂલાઇ માસમાં મુકરર કરવામાં આવી છે.
ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી તથા અન્યો દ્વારા એનસીએલટી સમક્ષ કરાયેલી ૧૯૦૦ પાનાની આ પિટિશનમાં ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી દ્વારા સમગ્ર ઇલેક્ટ્રોથર્મ કંપની હડપ કરવાના ષડયંત્રમાં તેના ભાઇ નાગેશ ભંડારી સહિતના લોકોની સંડોવણી હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પિટિશનમાં સિનિયર એડવોકેટ અશોક મહેતાએ મહત્વની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે,ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.એ લીસ્ટેડ કંપની છે અને તેના ૬૫૦૦થી વધુ શેર હોલ્ડર્સ છે. લાખો રોકાણકારોનું હિત સીધી અને આડકતરી રીતે કંપની સાથે સંકળાયેલું છે. અરજદાર સને ૨૦૧૭માં કંપનીના ડાયરેકટર બન્યા ત્યારે બુક્સ ઓફ એકાઉન્ટની ચકાસણી દરમ્યાન ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી, તેમના ભાઇ નાગેશ ભંડારી અને તેમના અન્ય મળતીયાઓ અશોક આર.ભંડારી સહિતના લોકો દ્વારા કંપનીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાઇ રહ્યું હોવાની વાત તેમના ધ્યાન પર આવી હતી. ઇલેક્ટ્રોથર્મના મેનેજીંગ ડિરેકટર શૈલેષ ભંડારી અને તેના મળતીયાઓએ ઇલેક્ટ્રોથર્મના ભંડોળમાંથી રૂ.૫૮ કરોડ તેમના પર્સનલ યુઝ અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ લિ. કંપની હસ્તગત કરવા ડાયવર્ટ કર્યા હતા. શૈલેષ ભંડારી ઇલેક્ટ્રોથર્મ કંપનીના એમડી હોઇ ફાયનાન્સ અને બેંકીંગનું કામ સંભાળતા હોઇ તેમણે સત્તાનો દૂરપયોગ કરી ૮૫ જેટલી બોગસ શેલ કંપનીઓ મારફતે રૂ.૫૮ કરોડનું કંપનીનું ભંડોળ ગેરકાયદે રીતે ડાયવર્ટ કરી વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ લિ. પર કંટ્રોલ કરી લીધો હતો. શૈલેષ ભંડારી અને તેમના ભાઇ નાગેશ ભંડારી બોગસ શેલ કંપનીઓ ઉભી કરવા માટે અને બેનામી શેર્સ ટ્રાન્ઝેકશનના ગોટાળા માટે કંપનીઝ એકટ અને કોર્પોરેટ લોની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરી નોટોરીયસ મેથડ અપનાવી રહ્યા છે. આ જ પ્રકારે ઇલેકટ્રોથર્મ કંપનીના જ રૂ.૩૦ કરોડના ભંડોળનો દૂરપયોગ કરી સીંગાપોરની બે કંપનીઓ કેસલસાઇન પીટીઇ લિ. અને લીડહેવન પીટીઇ લિ. સાથે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના દસ-દસ લાખ શેર ટ્રાન્ઝેકશન થયા હતા. આ બંને કંપનીઓ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી સ્ટ્રક ઓફ(ફડચામાં ગયેલી) હતી. પરંતુ નવેમ્બર-૨૦૧૮માં પાછળથી રિસ્ટોર(પુર્નજીવિત) થઇ હતી. આ બંને કંપનીઓ ૨૦૧૪માં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના દસ-દસ લાખ શેર્સ ધરાવતાં હોવાછતાં સીંગાપોર સરકાર સમક્ષ એવું ખોટું ડેકલેરેશન જાહેર કર્યુ હતુ કે, તેમની પાસે કોઇ એસેટ્સ કે લાયેબિલીટી નથી. વાસ્તવમાં આ બંને કંપનીઓ કે જેના ડાયરેકટર અશોક ભંડારી અને નાગકાવ્યા હતા, તે કંપનીઓ ઇલેકટ્રોથર્મ કંપનીના કુલ શેર્સનો ૧૮ ટકા હિસ્સો ધરાવતી હતી. આ વીસ લાખ શેર્સ ટ્રાન્ઝેકશન-ખરીદવામાં વાસ્તવમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના જ ફંડનો દૂરપયોગ કરાયો હતો. બાદમાં સીંગપોરની ઉપરોકત બંને કંપનીઓએ ઇલેક્ટ્રોથર્મ કંપની પાસેથી ડુપ્લીકેટ શેર્સ માંગ્યા હતા, જેની સામે અરજદારે બોર્ડ મીટીંગમાં સખત વાંધો લીધો હતો અને સમગ્ર કૌભાંડ મામલે તા.૨૮-૧-૧૯ના રોજ સેબીમાં ફરિયાદ પણ થઇ હતી. આ જ પ્રકારે શૈલેષ ભંડારી અને તેના મળતીયાઓએ કંપનીના ફંડનો દૂરપયોગ કરી વધુ રૂ.૭૪ કરોડ હોંગકોંગની એક કંપનીના ટ્રાન્ઝેકશનમાં બોગસ એલસી ખોલી ડાયવર્ટ કરી દૂરપયોગ કર્યો હતો અને અન્ય કંપનીના બોગસ એલસી ખોલી રૂ.૧૩થી રૂ.૧૪ કરોડ ડાયવર્ટ કરાયા હતા. આમ, ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના રૂ.૧૭૫ કરોડના ભંડોળના ગોટાળાને લઇ હવે કંપનીના ૬૫૦૦થી વધુ શેરહોલ્ડર્સ અને લાખો રોકાણકારોનું હિત જોખમાય તેવી સ્થિતિ બની હોઇ આ સમગ્ર કૌભાંડમાં હવે ન્યાયી તપાસના આદેશો જરૂરી બને છે. આ સંજોગોમાં એનસીએલટીએ સમગ્ર કેસમાં દરમ્યાનગીરી કરી જરૂરી આદેશો જારી કરવા જોઇએ.