ચાર સફાઇ કર્મીના મોતના કેસમાં અંતે ફરિયાદ દાખલ

614

શહેરના ઓઢવ વિસ્તારમાં અર્બુદાનગર પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંપીંગ સ્ટેશન પર સાફ સફાઈ દરમિયાન ગેસ ગળતર થતા ચાર સફાઇ કામદારોના કરૂણ મોતની ઘટનામાં આખરે પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ઓઢવ પોલીસે આ ઘટનામાં કસૂરવાર કોન્ટ્રાકટર મહિમા એજન્સી અને સુપરવાઇઝર વિરૂધ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ગંભીર બેદરકારી અને સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં અર્બુદાનગર પમ્પિંગ સ્ટેશનમાં શનિવારે મોડી રાતે ગેસ ગળતર થતા ચાર સફાઇ કામદારોના કરૂણ મોત નીપજયા હતા. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત એ.એમ.સી દ્વારા સ્ટોર્મ વોટરની સફાઈ કરવામાં આવી રહી છે. જેનો કોન્ટ્રાક્ટ એ.એમ.સી દ્વારા મહિમા એજન્સીને આપવામાં આવ્યો હતો.

જ્યાં શનિવારની રાતે ડ્રેનેજ લાઇન સફાઇ દરમિયાન શ્રમિકોનુ ઝેરી ગેસ ગળતરની અસર થતા મૃત્યુ નીપજ્યુ હતુ. જેમાં સુપરવાઇઝરને સામાન્ય અસર થઇ હતી. પરંતુ પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ સુરક્ષા કે સેફટીના સાઘનો વગર જ સુપરવાઇઝર ચેતન બાંભણીયાએ સફાઇ કામદારોને પમ્પિંગ સ્ટેશન સ્ટોર્મ લાઇનમાં ઉતાર્યા હતા. જેથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા પોલીસે હવે સમગ્ર મામલે ગુનો નોધ્યો છે. ઓઢવ પોલીસે એ.એમ.સીને કોન્ટ્રાક્ટ આપનાર મહિમા એજન્સી અને સુપરવાઇઝર વિરુદ્ધ નિષ્કાળજી દાખવા બદલ આઇપીસી ૩૦૪ અ અને ૧૧૪ મુજબ ગુનો નોધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરતા શ્રમિકો સેફટીના સાઘનો વગર કામ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે એએમસી દ્ધારા કોન્ટ્રાક્ટ આપવામાં આવતી ઘણી એજન્સીઓની બેદરકારી સામે આવતી હોય છે. એએમસી દ્વારા પગલા ભરવામાં આવતા નથી તેને લઇને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Previous articleઅમુલ દૂધના ભાવમાં લિટરે રૂા.બેનો વધારો
Next articleધો.-૧૦નું આજે પરિણામ : વિદ્યાર્થીઓ ઉત્સુક