વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા અને ભારતીય મજદુર સંઘના મહાસચિવ બૃજેશ ઉપાધ્યાય દ્વારા મોદી સરકાર અને ભાજપની જાહેરમાં ટિકા કરવામાં આવ્યા બાદ સંઘ નારાજ છે. તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી સંઘ દ્વારા હાથ ધરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. સંઘ પ્રવીણ તોગડિયા અને ઉપાધ્યાયને તેમના હોદ્દા પરથી દુર કરવા માટે તૈયાર છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાઘવ રેડ્ડી પણ સંઘની યાદીમાં સામેલ છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ ત્રણેય નેતાઓની કાર્યપ્રણાલીના કારણે સરકારને શરમજનક સ્થિતીમાં મુકાઇ જવાની ફરજ પડી રહી છે. જેથી સંઘના ટોપના નેતાઓ હાલમાં ભારે નારાજ દેખાઇ રહ્યા છે. એમ માનવામાં આવે છે કે આ બે સંગઠનના કાર્યકરોના વિશાલ નેટવર્કનો ઉપયોગ પણ સંઘની વિચારધારાના ફેલાવા માટે કરવામાં આવી રહ્યો નથી. આંતરિક સુત્રોએ કહ્યુ છે કે ફેબ્રુઆરીના અંત સુધી વિહિપની કાર્યકારી બેઠક યોજાનાર છે. સંઘ અહીં રેડ્ડી, તોગડિયાને તેમના સમર્થકોની સાથે દુર કરીને નવા અધ્યક્ષની નિમણૂંક કરવાના પ્રયાસ કરી શકે છે. સુત્રોએ એમ પણ કહ્યુ છે કે સંઘના લોકો એવા લોકોને દુર કરવા માટે કમર કસી ચુક્યા છે જે ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે મોરચો ખોલી ચુક્યા છે. સંઘ ઇચ્છે છે કે તેમની સાથે જોડાયેલા સંગઠનો કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષની સ્થિતીમાં ન ઉતરે.
તમામ મતભેદોને શાંતિપૂર્ણ રીતે દુર કરવાના પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે. એમ માની લેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી દરમિયાન કેડર્સમાં કોઇ પણ પ્રકારની ભ્રમની સ્થિતી ઉભી કરવામાં ન આવે. આ જ કારણસર સંગઠનના સ્તર પર ફેરફાર કરવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. હાલમાં તોગડિયાએ મોદી પર સીધી રીતે પ્રહારો કર્યા છે.