ઇંગ્લેન્ડે પોતાની વર્લ્ડકપ સ્ક્વોડમાં જોફરા આર્ચર અને લિયમ ડોસનને સ્થાન આપ્યું છે. આર્ચર છેલ્લા એક મહિનાથી સ્ટેન્ડબાય હતો અને પાકિસ્તાન સામેની સિરીઝ પછી સિલેક્ટર્સે તેને ટીમમાં સ્થાન આપ્યું છે. પહેલા જાહેર કરાયેલી ટીમમાંથી લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ડેવિડ વિલીની જગ્યાએ આર્ચરને ટીમમાં જગ્યા મળી છે. આર્ચરે પાકિસ્તાન સામેની ૨ અને આયર્લેન્ડ સામેની ૧ વનડેમાં સતત ૧૪૦થી વધુની ઝડપે બોલિંગ કરી હતી અને યોર્કર્સનો વરસાદ કર્યો હતો.
બીજી તરફ લેફ્ટ આર્મ સ્પિનર લિયમ ડોસન છેલ્લે ઓક્ટોબર ૨૦૧૮માં ઇંગ્લિશ ટીમ માટે રમ્યો હતો. ઓલરાઉન્ડર જો ડેનલીના નિરાશાજનક પ્રદર્શન પછી ડોસનને ટીમમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. ડેનલીએ પાકિસ્તાન સામેની સીરીઝમાં માત્ર ૬ ઓવર બોલિંગ કરી હતી અને ૧૭ રન કર્યા હતા. જયારે ડોસને ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતા હેમ્પશાયર માટે ૯ મેચમાં ૨૭૪ રન કર્યા હતા અને ૧૮ વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડ વર્લ્ડકપમાં ફેવરિટ તરીકે શરૂઆત કરે છે. તેઓ ૩૦ મેના રોજ ઓવલ ખાતે દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી મેચ રમશે.
વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડની ફાઇનલ ટીમઃ ઇયાન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કરન, લિયામ ડોસન, લિયામ પ્લંકેટ, આદિલ રશિદ, જો રૂટ, બેન ટોસ્ક્સ, જેમ્સ વિન્સે, ક્રિસ વોક્સ અને માર્ક વુડ.