નેપાળના ૫૦ વર્ષીય શેરપા કામી રિતાએ સપ્તાહમાં બીજી વખત વિશ્વના સૌથી ઊંચો પર્વત એવરેસ્ટ સર કરીને અનોખો વિક્રમ રચ્યો છે. કામી રિતા શેરપાએ ગત સપ્તાહે ૧૫મી મેએ વિશ્વમાં સૌથી વધુ ૨૩ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મંગળવારે કામી રિતા શેરપાએ ભારતીય પોલીસની ટુકડી સાથે ૮,૮૪૮ મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ ૨૪મી વખત સર કરીને ઈતિહાસ રચી દીધો છે. સેવન સમિટ ટ્રેક્સના ચેરમેન મિંગપા શેરપાના મતે કામી રિતા મંગળવારે સવારે ૬.૪૮ કલાકે નેપાળ બાજુએથી માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચ્યો હતો. કામી રિતા સાથે ભારતીય પોલીસની ટીમ પણ હતી અને તેમણે પણ એવરેસ્ટ સર કર્યો હતો. માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ માટે બે રસ્તા છે. એક નેપાળ બાજુથી તેમજ બીજો તિબેટ બાજુથી છે. ભારતીય ટીમ સાથે નીકળેલા કામી રિતાએ એવરેસ્ટની કે૨, ચો-ઓયું, લ્હોસ્તે અને અન્નપૂર્ણા સહિતની લગભગ તમામ ટોચ સર કરી હતી. મિંગમાના જણાવ્યા મુજબ કામી રિતા શેરપા ૨૫ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ઈચ્છા ધરાવે છે. કામી રિતા ૧૯૯૪થી એવરેસ્ટ પર ટ્રેકિંગ કરે છે અને ૧૯૯૫માં તેના એક ગ્રાહક બીમાર પડતા તેણે અધવચ્ચે ટ્રેક છોડી દેવો પડ્યો હતો. માર્ચથી જૂન અંત સુધીનો ગાળો માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે અનુકૂળ સમય હોય છે. એડમન્ડ હિલેરી અને શેરપા તેન્ઝિંગ નોર્ગે દ્વારા વિશ્વમાં સૌપ્રથમ વખત ૧૯૫૩માં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અંદાજે ૪,૦૦૦થી વધુ પ્રવાસીઓએ એવરેસ્ટ સર કર્યો હોવાનું નેપાળ પ્રવાસન વિભાગે જણાવ્યું હતું.