મગફળી કાંડ, તુવેર કાંડ બાદ ખાતર કાંડ રૂપી કાતર ખેડૂતોના ખીસ્સા ઉપર ફરી છે. ત્યારે ખાતરના વેચાણમાં ખાસ ધ્યાન રાખવા માટે રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચનાઓને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ખાસ સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં ખાતર ઉત્પન્ન કરતી કંપનીઓ અને વિક્રેતાઓની ખાસ બેઠક બોલાવીને તેમને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.આગામી ખરીફ ઋતુ પુર્વે જિલ્લામાં સબસીડાઇઝ્ડ રાસાયણીક ખાતરની વિતરણ વ્યવસ્થા અને પી.ઓ.એસ. મશીનની સમીક્ષા અને ખાતરના જથ્થાના સંગ્રહના હેતુ માટે ખાસ બેઠક નાયબ ખેતી નિયામક (વી) મહાવીરસિંહ વાઘેલાએ બોલાવી હતી. જેમાં ખાતર ઉત્પન્ન કરતી કંપનીઓના પ્રતિનિધિ તેમજ હોલસેલ વિક્રેતાઓ જેવા કે ગાંધીનગર જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ચારેય તાલુકાના સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
જેમને આગામી સિઝનને ધ્યાનમાં રાખીને ખાતરનો સંગ્રહ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. સરકારી આંકડા પ્રમાણે જિલ્લામાં ખરીફ – ૨૦૧૯ ઋતુ અંતીત થનાર વાવેતરનો અંદાજ ૧.૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની શક્યતાઆ છે ત્યારે ખાતરની જરૂરીયાત વાવેતર વિસ્તારને આધારીત આપવામાં આવી હતી.
જે મુજબ ૩૩,૫૦૦ મે.ટન યુરીયા, ૩૮૫૦ મે.ટન ડી.એ.પી. ૧૧૫૦ મે.ટન મ્યુરેટ ઓફ પોટાશ, ૧૫૯૦ મે.ટન સીંગલ સુપર ફોસ્ફેટ, ૧૯૫૦ મે.ટન એમોનીયમ સ્લ્ફેટ અને ૩૪૫૦ મે.ટન એન.પી.કે. ખાતરની જરૂરીયાત રહેવા પામશે. આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાસાયણિક ખાતરનો સંગ્રહ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તો પી.ઓ.એસ. મશીન ધરાવતા વિક્રેતાઓ રાસયાણિક ખાતરનું વિતરણ કરે અને તેનું રજીસ્ટર પણ નિભાવે તેવી સૂચના આપવામાં આવી હતી.
જિલ્લામાં ૨૩૮ જેટલા વિક્રેતાઓ સબસીડાઇઝ્ડ રાસાયણીક ખાતરનું પી.ઓ.એસ. મશીન મારફતે વેચાણ કરી શકે તેમ છે. આ બેઠકમાં અમદાવાદ વિભાગના સંયુક્ત ખેતી નિયામક કમલાબેન છૈયા હાજર રહીને જરૂરી સુચનો કર્યા હતા.