છુટાછેડા લીધા વિના જ પરિણિતાના અન્ય યુવકની સાથે લગ્ન કરાવી દેનાર પિતા સહિત ચાર શખસો વિરૂદ્ધ બોરૂના યુવાને કોર્ટમાં અરજી કરી હતી. યુવાનની અરજીના આધારે કોર્ટે પોલીસ પાસે તપાસ કરાવતા હકિકત સાચી નિકળતા પરિણિતાના પિતા સહિત ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની કોર્ટે માણસા પોલીસને આદેશ કર્યો છે.
જિલ્લાના બોરૂ ગામમાં રહેતા એક યુવાનના લગ્ન સમાજના રિતરિવાજ મુજબ સમુહ લગ્નમાં થયા હતા. લગ્ન કર્યાને દોઢ માસમાં જ બોરૂના યુવાનની પરિણિતા ઘરેથી જતી રહી હતી. યુવકે સસરાને સાથે રાખીને પરિણિતાને શોધખોળ કરવા છતાં કોઇ જ ભાળ મળી ન હતી. ત્યાર બાદ પરિણિતાનો અન્ય યુવક સાથેનો ફોટો જોવા મળ્યો હતો. પોતાની પત્નીનો અન્ય યુવક સાથેના ફોટાની તપાસ કરતા તે અમદાવાદનો એક યુવક હતો. પોતાની પત્નીને લેવા યુવક ગયો તો તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપાઇ હતી.
આ દરમિયાન યુવકને તેમજ તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવક ગભરાઇ ગયો હતો. યુવક પત્નીને ઘરે લાવવા માટે સસરાના ઘરે ગયો હતો. પરંતુ સસરાએ કોઇ જ રિસ્પોન્સ આપ્યો નહી હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે. કોર્ટે છુટાછેડા આપ્યા નથી તેમ છતાં પોતાની પત્નીને અન્ય યુવક સાથે પરણાવી દેવા સંબંધે સસરા સહિત ચાર વ્યક્તિઓની વિરૂદ્ધ જિલ્લા પોલીસ તંત્રમાં અરજી કરવા છતાં ફરિયાદ લેવાઇ ન હતી. આથી યુવકે કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે માણસા પોલીસને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહીનો આદેશ કર્યો હતો.
આમ તો કાયદા અનુસાર કોઈપણ દંપતી વચ્ચે મતભેદ કે વિવાદ ઉભો થાય અને તેઓ એકબીજા સાથે રહેવા માગતા ન હોય તો આવા દંપતીએ પહેલા કાયદેસર છુટાછેડા લઈને જ આગળનો નિર્ણય કરવાનો હોય છે પણ આ કેસમા યુવાન સાથે છુટાછેડા લીધા વિના પરિણીતાને અન્ય જગ્યાએ પરણાવી દેવામા આવતા આ મામલે જિલ્લામા હાલ ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવમા છુટાછેડા લીધા વિના જ પરિણિતાના અન્ય યુવકની સાથે લગ્ન કરાવી દેનાર પિતા સહિત ચાર શખસો વિરૂદ્ધ બોરૂના યુવાને કોર્ટમાં અરજી કરી હતી જેના આધારે કોર્ટ તરફથી આ બનાવમા પોલીસને ગુનો દાખલ કરી તપાસ કરવા આદેશ આપવામા આવ્યો છે. હાલ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની જવા પામી છે.